PM મોદીની મોટી બેઠક પહેલા જમ્મૂ કાશ્મીરમાં એલર્ટ જાહેર, નેટ સેવા પણ બંધ કરાય તેવી સંભાવના
- આવતીકાલે પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે યોજાશે બેઠક
- આ બેઠક અગાઉ કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર અને નિયંત્રણ રેખા પર એલર્ટ જારી કર્યું
- તે ઉપરાંત અનિચ્છનીય ઘટના ના બને તે માટે ઇન્ટરનેટ સેવા પણ બંધ રખાઇ શકે છે
નવી દિલ્હી: આવતીકાલે એટલે કે 24 જૂનના રોજ પીએમ મોદીની કાશ્મીરી નેતાઓ સાથે બેઠક થવાની છે ત્યારે આ બેઠક અગાઉ કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીર અને નિયંત્રણ રેખા પર 48 કલાકનું એલર્ટ જારી કર્યું છે.
પીએમ મોદીની બેઠકને લઇને તકેદારીના પગલાં તરીકે આવતીકાલે હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા પણ બંધ રાખવાનો નિર્ણય લેવાઇ શકે છે. પીએમ મોદી કાશ્મીરી નેતાઓ સાથે બેઠક કરવાના હોવાથી સરહદે કે જમ્મૂ કાશ્મીરમાં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે કેન્દ્ર સરકારે 48 કલાકનું એલર્ટ આપી દીધું છે. તે ઉપરાંત સુરક્ષા દળોને એલર્ટ રહેવાનો આદેશ કરાયો છે.
કેન્દ્ર સરકારનો એલર્ટનો નિર્ણય યોગ્ય છે કારણ કે જ્યારે પણ કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીર સંબંધિત કોઇપણ નિર્ણય લીધો છે ત્યારે કાશ્મીર ખીણમાં હોબાળો જોવા મળ્યો છે.
નોંધનીય છે કે, આ સર્વપક્ષીય બેઠક માટે કેન્દ્ર સરકાર તરફથી જમ્મૂ કાશ્મીરના કુલ 16 નેતાઓને આમંત્રણ મોકલાયું છે. કલમ 370ની નાબૂદી બાદ કેન્દ્ર દ્વારા રાજ્યના નેતાઓ સાથે સંવાદ સાધવાની આ સૌથી મોટી પહેલ છે.