- જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ફરી પ્રથમ ક્રમાંકે
- હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે પ્રગટ થાય છે
- જાપાની પાસપોર્ટ સૌથી વધુ 191 દેશોમાં સ્વીકાર્ય છે
નવી દિલ્હી: જાપાન ટેક્નોલોજીમાં સૌથી અગ્રણી દેશ છે અને સાથોસાથ તેનો પાસપોર્ટ પણ શક્તિશાળી છે. આ વર્ષે પણ જાપાનનો પાસપોર્ટ સૌથી વધારે શક્તિશાળી સાબિત થયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે પ્રગટ થાય છે, જેમાં ક્યા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે, એ રજૂ કરવામાં આવે છે.
જે-તે દેશનો નાગરિક વિઝા વગર કેટલા દેશમાં પ્રવેશ કરી શકે છે તેના આધારે પાસપોર્ટનો પાવર માપવામાં આવે છે. જેમ કે જાપાની પાસપોર્ટ સૌથી વધુ 191 દેશોમાં સ્વીકાર્ય છે. 191 દેશોમાં જાપાની નાગરિક ઉતરીને પછી વિઝા મેળવે તો ચાલે.
સૌથી શક્તિશાળી પાસપોર્ટ
આપને જણાવી દઇએ કે પરદેશમાં જવા પહેલા વિઝાની આવશ્યકતા રહે છે. વિઝા વગર કોઇ દેશમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ઘણા દેશોના પારસ્પરિક સંબંધોના કારણે વિઝા ઓન અરાઇવલ એટલે કે એરપોર્ટ પર આગમન વખતે વિઝા આપવાની સુવિધા ઉભી કરવામાં આવી હોય છે. આવી સુવિધા તેમજ અન્ય શરતોના આધારે પાસપોર્ટની ક્ષમતા નક્કી થાય છે. આ લિસ્ટમાં ભારતનો ક્રમ 85મો છે. ભારતના નાગરિક વિઝા વગર 58 દેશોમાં પ્રવાસ કરી શકે છે.
આ લિસ્ટમાં કુલ 110 દેશો સમાવિષ્ટ છે, જેમાં સૌથી છેલ્લા ક્રમે અફઘાનિસ્તાન છે. પાકિસ્તાનનો ક્રમ 107મો, ચીનનો ક્રમાંક 75મો, નેપાળ 104માં ક્રમાંકે, શ્રીલંકાનો 100મો ક્રમ જોવા મળ્યો હતો. અમેરિકાના નાગરિકોને 185 દેશોમાં પ્રવેશ મળે છે.
(સંકેત)