- અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો જોરદાર આંચકો
- અમેરિકાએ કહ્યું અમારી જમ્મૂ કાશ્મીર પ્રત્યેની નીતિમાં કોઇ ફેરફાર નહીં થાય
- અમેરિકાએ કાશ્મીર ખીણમાં 4જી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બહાલ કરવાનું પણ સ્વાગત કર્યું
વોશિંગ્ટન: ચીનને જોરદાર જવાબ આપ્યા બાદ અમેરિકાએ પાકિસ્તાનને પણ જોરદાર આંચકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સ્પષ્ટતા કરી છે કે કાશ્મીર અંગેની તેમની નીતિમાં કોઇ ફેરફાર નહીં થાય. પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ જમ્મૂ કાશ્મીર અંગેની અમેરિકાની નીતિમાં ફેરફાર આવશે કારણ કે બાઇડેનના પાકિસ્તાન સાથે સારા સંબંધ રહ્યા છે. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિએ એક જ ઝટકે પાકિસ્તાનની આશા પર પાણી ફેરવી દીધું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના પ્રશાસને કહ્યું છે તેમની જમ્મૂ કાશ્મીર અંગેની નીતિમાં કોઇ ફેરફાર આવ્યો નથી. આ સાથે જ અમેરિકાએ કાશ્મીર ખીણમાં 4જી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બહાલ કરવાનું પણ સ્વાગત કર્યું છે.
આ પહેલા અમેરિકી વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયા બ્યૂરોએ ટ્વીટ કરીને જમ્મૂ કાશ્મીરમાં 4જી ઇન્ટરનેટ સુવિધા બહાલ કરવાનું સ્વાગત કર્યું છે. ટ્વીટમાં કહેવાયું છે કે ભારતના જમ્મૂ અને કાશ્મીરમાં 4જી ઇન્ટરનેટ સેવા બહાલ કરવાનું અમે સ્વાગત કરીએ છીએ. તે સ્થાનિકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને અમે રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે રાજનીતિક અને આર્થિક પ્રગતિ ચાલુ રાખવા માટે આશાવાદ ધરાવીએ છીએ.
સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં પાંચ ફેબ્રુઆરીથી 4G મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુન: બહાલ કરવામાં આવી છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્ય દરજ્જો હટાવીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા 4જી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. રાજ્યમાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી હોવાના કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જો કે આ પગલાએ આતંકી નેટવર્કને નબળું કરવામાં ખુબ મોટી ભૂમિકા ભજવી.
(સંકેત)