- ઘરે ઘરે રાશન અંગે કેજરીવાલ સરકાર પર કેન્દ્ર સરકારે કર્યા શાબ્દિક પ્રહારો
- ઓક્સિજન ઘરે પહોંચાડી ના શક્યા અને રેશન હોમ ડિલિવરીની વાતો કરી રહ્યાં છો
- દિલ્હી સરકાર રેશન માફિયાઓના નિયંત્રણમાં છે
નવી દિલ્હી: દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે આરોપ-પ્રત્યારોપ અને વિવાદ હવે જૂની બાબત બની ચૂકી છે. હાલમાં બંને વચ્ચે રેશનની હોમ ડિલીવરીને લઇને શાબ્દિક યુદ્વ છેડાઇ ગયું છે. બંને વચ્ચે ઘરે ઘરે રેશન ડિલીવરીને લઇને તકરાર ચાલુ છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કેજરીવાલ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે કે, તેઓ ઓક્સિજન ના પહોંચાડી શક્યા, મહોલ્લા ક્લિનીકમાં દવા ન પહોંચાડી શક્યા અને ઘરે ઘરે અન્ન પહોંચાડવાની વાતો કરે છે.
રવિશંકર પ્રસાદે વધુમાં કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, દિલ્હી સરકાર રેશન માફિયાઓના નિયંત્રણમાં છે. દેશના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વન નેશન વન રેશનકાર્ડ લાગૂ કર્યું છે. માત્ર ત્રણ રાજ્યો, દિલ્હી, પશ્વિમ બંગાળ તેમજ આસામે તેનું અમલીકરણ નથી કર્યું. અરવિંદ કેજરીવાલ તમે દિલ્હીમાં વન નેશન વન રેશનકાર્ડ કેમ અમલમાં નથી મૂક્યું. તમારી સમસ્યા શું છે? આ પહેલા આવા જ આરોપો કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યા હતા.
રવિશંકર પ્રસાદે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, આ હોમ ડિલિવરી જોવામાં ઘણી સારી લાગે છે, પરંતુ જો તમે તેની અંદર થોડો વધુ જશો તો સમજાશે કે તેમાં કૌંભાડની કેટલી ડૂબકીઓ લાગશે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે એપ્રિલ 2018 થી અત્યાર સુધી દિલ્હીની રેશન શોપમાં પીઓએસ મશીનોનું ઓથેન્ટિકેશન કેમ શરૂ નથી થયું? રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યા કે અરવિંદ કેજરીવાલ જી એસસી-એસટી કેટેગરીની ચિંતા નથી કરતા, સ્થળાંતરીત મજૂરોની ચિંતા પણ નથી કરતા, ગરીબોની પાત્રતાની પણ ચિંતા નથી કરતા.
ભારત સરકાર દેશભરમાં ઘઉં રૂ .2 પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો આપે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ ગત વર્ષની જેમ આ વખતે પણ ગરીબોને નવેમ્બર સુધી નિ:શુલ્ક રેશન આપવામાં આવી રહ્યું છે. ચોખાના ભાવ પ્રતિ કિલો રૂ. 37 છે અને ઘઉંનો કિલો દીઠ રૂ. 27 ભાવ છે તેવું પણ રવિશંકર પ્રસાદે કહ્યું હતું.