Site icon Revoi.in

સિંધુ બોર્ડર ખાલી કરાવવાની અરજદારની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી, હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું

Social Share

નવી દિલ્હી: મોદી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલનને કારણે બંધ સિંધુ બોર્ડરને ખોલાવવા માટે દાખલ કરાયેલી એક અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે, તેઓ પોતાની અપીલ પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં ફાઇલ કરે.

અપીલમાં સોનીપતના જયભગવાને કહ્યું હતું કે, ખેડૂત આંદોલનને કારણે રસ્તા અનેક દિવસોથી બંધ છે. તેથી સુપ્રીમ કોર્ટ સરકારને રસ્તા ખોલવાનો આદેશ આપે અથવા એક વૈકલ્પિક રસ્તો બનાવવાનો આદેશ આપે જેથી સામાન્ય લોકોની અવરજવર સરળતાપૂર્વક થઇ શકે.

અપીલ પર સુનાવણી કરતા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ કે આ મામલે હાઈકોર્ટ જવુ યોગ્ય હશે, તેઓ સ્થાનિક પરિસ્થિતિ વિશે જાણકારી રાખે છે અને સહાયતા કરી શકે છે. તેમણે લાભાર્થીઓને હાઈકોર્ટ જવાનો પણ આદેશ આપ્યો જે બાદ અપીલને પાછી લેવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે હાઈકોર્ટ પણ સામાન્ય લોકોની મૂળભૂત સુવિધાઓ સાથે જોડાયેલી સમસ્યાઓને ઉકેલી શકે છે.

અરજીકર્તા જયભગવાનના વકીલ અભિમન્યુ ભંડારી અનુસાર સિંધુ બોર્ડર સોનીપતના લોકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે. ખેડૂત આંદોલનને કારણે આ રસ્તો બંધ થવાથી સામાન્ય લોકોની મૂવમેન્ટના અધિકાર પર રોક લાગી રહી છે. અમે શાંતિપૂર્ણ આંદોલનની તરફેણમાં છીએ પરંતુ આ બીજા લોકો માટે સમસ્યા ના બનવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી વિભિન્ન ખેડૂત સંગઠન કૃષિ ધારાસભ્યોનો વિરોધ કરતા તેમને સમગ્ર રીતે રદ કરાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે.