- મોદી સરકારનો કૃષિ કાયદો મોકૂફ રાખવાનો પ્રસ્તાવ ખેડૂતોએ ફગાવ્યો
- સરકારના આ પ્રસ્તાવના ચર્ચા પર ખેડૂતોની બેઠક મળી હતી
- આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો
નવી દિલ્હી: ત્રણ નવા કૃષિ કાયદાઓ પરનો ગતિરોધ દૂર કરવા માટે મોદી સરકારે આ કાયદાને દોઢ વર્ષ સુધી મોકૂફ રાખવાનો પ્રસ્તાવ ખેડૂતો સમક્ષ કર્યો હતો. જો કે સરકારના આ પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દીધો છે. સરકારે 10માં રાઉન્ડની વાતચીતમાં રાખેલા પ્રસ્તાવો પર ચર્ચા માટે સંયુક્ત કિસાન મોરચાની ગુરુવારે બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને પૂરી રીતે રદ કરવા અને બધા માટે બધી ફસલો પર લાભદાયક એમએસપી માટે એક કાનૂન બનાવવાની વાત પર યથાવત્ છીએ. આ કિસાન આંદોલનની મુખ્ય માંગ છે અને તે તેના પર અડગ છીએ.
સંયુક્ત કિસાન મોરચા તરફથી કિસાન નેતા દર્શપાલ સિંહે નિવેદન જાહેર કરીને કહ્યું કે મોરચા આ આંદોલનમાં અત્યાર સુધી શહીદ થયેલા 147 ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. જન આંદોલનને લડતા-લડતા આ સાથી આપણને છોડી ગયા છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમણે જણાવ્યું કે પોલીસ પ્રશાસન સાથે થયેલી બેઠકમાં પોલીસે અમને દિલ્હીમાં પ્રવેશ ન કરવાની વાત કહી છે. કિસાનોએ દિલ્હીના રિંગ રોડ પર પરેડ કરવાની વાત દ્રઢતાથી રાખી છે.
નોંધનીય છે કે ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોનું આંદોલન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે. હવે આ આંદોલન દેશવ્યાપી બની ગયું છે.
(સંકેત)