Site icon Revoi.in

લખીમપુર હિંસા મામલે સુપ્રીમમાં આજે થશે સુનાવણી

Social Share

નવી દિલ્હી: લખીમપુર હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસા કેસમાં સુનાવણી થશે. આપને જણાવી દઇએ કે લખીમપુર હિંસાની ઘટના બાદ બે વકીલોએ એક પત્ર લખીને ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોની હત્યા બાબતે ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ કરવા માટેની અપીલ કરી છે.

આ બંને વકીલોએ CBIને આ તપાસમાં સામેલ કરવાની પણ માંગણી કરી છે. આ મામલાની સુનાવણી CJI એન વી રમણ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ કરશે. અગાઉ સુપ્રીમ કોર્ટે આ મામલે યુપી સરકારની નિરસતાને લઇને પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

લખીમપુર હિંસા બાદ, સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓમોટો તરીકે લીધી અને ગુરુવારે તેની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે લખીમપુર હિંસા મામલે ઉત્તર પ્રદેશ સરકારને ઝાટકી છે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને પોલીસ કાર્યવાહીમાં ઢીલાશના કારણે મુખ્ય ન્યાયાધીશના વેધક સવાલોનો સામનો કરવો પડ્યો હતો.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી સંતુષ્ટ નહોતી. કોર્ટે કહ્યું કે આઠ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, આ કિસ્સામાં કાયદો તમામ આરોપીઓ માટે સમાન છે. કોર્ટે કહ્યું કે અમને આશા છે કે રાજ્ય સરકાર આ ગંભીર બાબતમાં જરૂરી પગલાં લેશે.

3 ઓક્ટોબરની બપોરે લખીમપુર ખીરીના ટીકુનીયા ખાતે લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોનાં મોત થયા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા આ કેસમાં મુખ્ય આરોપી છે.