Site icon Revoi.in

કોરોનાની રસીના સ્ટોરેજની તૈયારીનો આરંભ, માર્ચ સુધીમાં ગુજરાતમાં પ્લાન્ટ બની જશે

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની રસીને વિકસાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશના પ્રત્યેક નાગરિકને વાયરસની રસી મળે તે પ્રકારની રણનીતિ ઘડી છે. વેક્સીન સ્ટોરેજ, તેની જરૂરી કોલ્ડ ચેઇન સહિત દરેક નાની-નાની બાબતો પર વડાપ્રધાન કાર્યાલયથી નજર રાખવામાં આવી રહી છે. આ વચ્ચે એવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે લક્સમ્બર્ગની કંપની ભારતમાં કોરોના વેક્સીનની સ્ટોરેજ માટે કોલ્ડ ચેઇન ફેસિલિટીનું નિર્માણ કરશે. કંપનીના CEO એલ પ્રોવોસ્ટે કહ્યું છે કે દેશમાં આગામી વર્ષના માર્ચ મહિના સુધીમાં કોલ્ડ સ્ટોરેજ કેન્દ્ર સ્થાપિત કરી દેવામાં આવશે. તેનો પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની યોજના બનાવાઇ રહી છે.

જણાવી દઇએ કે કંપનીના CEO ભારતના પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે લક્સમ્બર્ગથી ભારતમાં કોલ્ડ ચેઇન ફેસિલિટીની સુવિધા માટે ટેક્નોલોજી ટ્રાન્સફર માટે આ પ્રવાસ કરાયો છે. ગુજરાત એ રાજ્યોમાંથી એક છે જ્યાં પ્લાન્ટ લગાવવા માટે અમે સાઇટ શોધી રહ્યા છીએ.

કંપનીના ડેપ્યુટી CEO જે દોશીએ કહ્યું કે, અમે ભારતમાં તેનું નિર્માણ કરીશું અને અમારું લક્ષ્ય માર્ચ 2021 સુધી વિનિર્માણ યુનિટ શરૂ કરવાનું છે. તેના માટે તેલંગાણા અને મહારાષ્ટ્ર રાજ્ય અમારા સંપર્કમાં છે.

ગત નવેમ્બર મહિનામાં ભારત અને લક્સમ્બર્ગ વચ્ચે થયેલી બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે આર્થિક આદાન-પ્રદાન વધવાની ક્ષમતા છે. વીડિયો કોન્ફરન્સ દ્વાર સમ્મેલનને સંબોધિત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું લોકતંત્ર, કાયદાનું રાજ અને સ્વતંત્રતા જેવા આદર્શોથી બન્ને દેશોના સંબંધો અને એકબીજાની સહયોગને મજબૂત કર્યા છે. તેમણે લક્સમ્બર્ગના વડાપ્રધાન જેવિયર બેટેલ સાથે વાતચીત દરમિયાન કહ્યું, “આજે જ વિશ્વ કોવિડ-19 મહામારીની આર્થિક અને સ્વાસ્થ્ય પડકારો સામે ઝઝૂમી રહ્યો છે, ભારત-લક્સમ્બર્ગ વચ્ચે સહયોગ બન્ને દેશો સાથે-સાથે બન્ને ક્ષેત્રોની આર્થિક સ્થિતિ સુધારવામાં ઉપયોગી થઈ શકે છે.”

નોંધનીય છે કે આમ બંને દેશો વચ્ચેના સંબંધો વધારે વિકસિત થવાથી આગામી સમયમાં ઝડપથી સાઇટ નક્કી કરીને કોલ્ડ સ્ટોરેજ ચેઇન માટે પ્લાનનું કામ શરૂ કરવામાં આવી શકે છે.

(સંકેત)