સમગ્ર વિશ્વમાં કોરોના પ્રકોપ વચ્ચે હિમાચલના આ ગામમાં 15 મહિનામાં કોરોનાનો એક કેસ પણ નોંધાયો નથી
- વિશ્વભરમાં કોરોના મહામારીનો પ્રકોપ પરંતુ હિમાચલના આ ગામમાં કોરોના હજુ પ્રવેશ્યો નથી
- હિમાચલ પ્રદેશના કૂલ્લુ જીલ્લાના મલાણા ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી
- અહીંયા છેલ્લા 15 મહિનાથી પર્યટકોના પ્રવેશ પર છે પ્રતિબંધ
શિમલા: વિશ્વભરમાં ગત દોઢ વર્ષથી કોરોના મહામારીએ પ્રકોપ વર્તાવ્યો છે. અનેક પ્રદેશોમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. જો કે આ વચ્ચે હિમાચલ પ્રદેશના કૂલ્લુ જીલ્લાના મલાણા ગામમાં કોરોનાએ હજુ સુધી દસ્તક દીધી નથી. ભારતમાં કોરોનાના પ્રવેશને અંદાજે 15 મહિના જેવો સમય વીત્યો હોવા છતાં આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
આ ગામમાં કોરોનાનો પ્રવેશ ના થયો તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અહીંના લોકોએ બહારના લોકો અને પર્યટકોની ગામમાં પ્રવેશબંધી કરી છે. 2350 લોકોની વસતી ધરાવતા આ ગામમાં દેવતા જમલૂનો કાયદો ચાલે છે. મલાણા ગામ માટે HRTCની એકમાત્ર બસ સેવા છે. કોરોના મહામારીને કારણે આ બસ સેવા છેલ્લા 1 વર્ષથી બંધ રાખવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં બસ સેવા પૂર્વવત કરાઇ હતી જો કે હવે ફરીથી બંધ કરી દેવામાં આવી છે. અન્ય ગામના લોકો સાથે અહીંના લોકો ગામના મુખ્ય દરવાજે જ મુલાકાત કરે છે.
મલાણા પંચાયતના પૂર્વ પ્રધાન ભાગી રામ અને ઉપપ્રધાન રામજી જણાવે છે કે, ગામમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નથી આવ્યો. લોકો પોતાની જાતે કોરોનાથી બચવાના ઉપાય કરી રહ્યા છે અને તેમના પર દેવતા જમલૂનો આશિર્વાદ છે. ગામના લોકો અત્યંત જરૂરી કામ હોય તો જ ગામમાંથી બહાર નીકળે છે, અને બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
આ ગામમાં જો કોઈ ગુનો કરે તો સજા કાયદાની દ્રષ્ટિએ નહીં પણ દેવતા જમલૂ દ્વારા આપવામાં આવે છે. ભારતનો કોઈ પણ કાયદો અથવા પોલીસ રાજ અહીં નથી ચાલતું.
નોંધનીય છે કે, પોતાની આગવી પરંપરા, રીતિ-રિવાજ અને કાયદાને કારણે આ ગામને દુનિયાના સૌથી જૂના લોકતંત્ર તરીકે ઓળખવામાં આવે છે.