- પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અગત્યનો નિર્ણય લેવાયો
- એક નવી નેશનલ બેંકની સ્થાપના કરવામાં આવશે
- આ બેંક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ આપવાનું કામ કરશે
નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં એક નવી નેશનલ બેંકની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેંક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. તેને વિકાસ નાણા સંસ્થા નામ આપવામાં આવ્યું છે.
આપને જણાવી દઇએ કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જ આ પ્રકારની બેંક બનાવવાની જાહેરાત કરી હોવાની માહિતી આપી હતી જેને હવે કેબિનેટે મહોર મારી છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અનુસાર નાણા વિકાસ સંસ્થા દેશમાં ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. આ નવી સંસ્થા શૂન્યથી શરૂ કરવામાં આવશે. હાલ એક બોર્ડની રચના કરાશે જે ભવિષ્યના નિર્ણયો લેશે. જો કે સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયાનું પ્રારંભિક ફંડ આપવામાં આવશે.
આ બેંક દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવશે અને તે રીતે તેમાં રોકાણ કરવામાં આવશે. આગામી થોડા વર્ષોમાં 3 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે. તેમાં રોકાણ કરનારાઓને ટેક્સ બેનિફિટ પણ મળશે. તેમાં મોટા સોવેરિઅન ફંડ, પેન્શન ફંડ રોકાણ કરી શકે છે.
નોંધનીય છે કે કોઇપણ જૂની બેંક આ પ્રકારના મોટા પ્રોજેક્ટમાં ફંડ કરવા તૈયાર નહોતી. આશરે 6,000 જેટલા બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ એવા છે જેને ફન્ડિંગની આવશ્યકતા છે. આ હેતુસર જ આવી સંસ્થાની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(સંકેત)