Site icon Revoi.in

મોદી કેબિનેટ વિસ્તરણ: સિંધિયા, સોનોવાલને વિસ્તરણ પહેલા દિલ્હીનું તેડું

Social Share

નવી દિલ્હી: મોદી કેબિનેટમાં વિસ્તરણને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. આગામી 24-48 કલાકમાં કેબિનેટમાં મોટો ફેરફાર થઇ શકે છે. બીજી તરફ, સંભવિત મંત્રીઓને દિલ્હીથી તેડું આવી ગયું છે. હાલ, પીએમ મોદીની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 53 છે, જેને વધારીને 81 કરવામાં આવી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટ વિસ્તરણ થશે તેવી સંભાવના છે.

સંભવિત નેતાઓને દિલ્હીથી તેડું આવી રહ્યું છે. જેમાં મધ્ય પ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હી પહોંચી રહ્યા છે. બીજી તરફ, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ મંગળવારે 3 વાગ્યા સુધીમાં રાજધાની પહોંચશે. મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા નારાયણ રાણે પણ આજે બપોરે દિલ્હી પહોંચશે.

આપને જણાવી દઇએ કે, પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને બી.એલ.સંતોષની વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠકમાં મંત્રીઓની અંતિમ યાદી પર મહોર મારવામાં આવી છે. રીટા બહુગુણા જોશી, પીલીભીતથી સાંસદ વરૂણ ગાંધી, બલિયાના રાજ્યસભા સાંસદ સકલદીપ રાજભર, આગ્રાના સાંસદ એસ.પી. સિંહ બઘેલના નામોને લઈ ચર્ચા ચાલી રહી છે.

મંત્રીમંડળ વિસ્તારની અટકળો વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ ચર્ચાનો વિષય બની ગયો છે. મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસથી અલગ થયા બાદ તેઓ બીજેપીમાં સામેલ થયા હતા. તેમના આ નિર્ણયને કારણે રાજ્યમાં કૉંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી અને શિવરાજ સિંહ ચૌહાણને મુખ્યમંત્રીની ગાદી મળી હતી.