Site icon Revoi.in

આ વર્ષે સારું રહેશે ચોમાસું, સ્કાયમેટે કરી આગાહી

Social Share

નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી આગાહી આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. દેશમાં જૂન-સપ્ટેમ્બર દરમિયાન 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્વિમ ચોમાસું પવનો લાવે છે. જે આ વખતે નોર્મલ રહેવાની આશા છે તેમ સ્કાયમેટ વેધરના પ્રેસિડેન્ટ જી.પી.શર્માએ જણાવ્યું હતું. જૂન-સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ વરસાદ 103 ટકા જેટલો રહી શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, 103 ટકા વરસાદ ઘણો સારો કહેવાય. ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 60 ટકા તેમજ સામાન્યથી સારું રહેવાની શક્યતા 15 ટકા જેટલી છે. દેશમાં પડતા સરેરાશ વરસાદનો જો 96-104 ટકા વરસાદ પડે તો તેને સામાન્ય ચોમાસું ગણાય છે, જ્યારે 103 ટકાથી વધુ વરસાદને સામાન્યથી વધુની શ્રેણીમાં મૂકવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી દેશમાં ચોમાસું સામાન્ય રહ્યું છે. જો વર્ષ 2021માં પણ વરસાદ સારો રહેશે તો સળંગ ત્રીજા વર્ષે દેશનું ચોમાસું સામાન્ય રહેશે.

ભારતમાં સામાન્ય રીતે જુનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસાનો મોટાભાગનો વરસાદ પડી જાય છે. દેશમાં આ ગાળામાં સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ પડે છે. સ્કાયમેટે આ અગાઉ 31 જાન્યુઆરી 2021ના રોજ ચોમાસા અંગેના પોતાના વરતારામાં જણાવ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન 96-104 ટકા જેટલો વરસાદ પડશે. તેના દ્વારા એમ પણ જણાવાયું છે કે, ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદ ઓછો પડી શકે છે.

સ્કાયમેટ અનુસાર જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ 166.9 એમએમ એટલે કે 106 ટકા જેટલો રહેશે. જુલાઈમાં તેનું પ્રમાણ 285.3 એમએમ એટલે કે 97 ટકા રહેશે. ઓગષ્ટમાં સરેરાશ વરસાદ 258.2 એમએમ રહી શકે છે, જે 99 ટકા જેટલો થાય છે. સપ્ટેમ્બર મહિનામાં 170.2 એમએમ વરસાદ પડવાની શક્યતા છે.

(સંકેત)