- દેશમાં રોજબરોજના માર્ગ અકસ્માતમાં થતા મોતની સંખ્યા ચિંતાજનક
- છેલ્લા 1 વર્ષમાં કોરોના કરતા વધુ મોત માર્ગ અકસ્માતમાં થયા: નીતિન ગડકરી
- છેલ્લા 1 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.50 લાખ લોકોના મોત થયા
નવી દિલ્હી: દેશમાં થતા રોજબરોજના માર્ગ અકસ્માતની સંખ્યા ખૂબ જ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. છેલ્લા 1 વર્ષમાં કોરોના કરતા વધુ મોત માર્ગ અકસ્માતમાં થયા છે તેવું કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે ગંભીર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર માર્ગ અકસ્માત અંગે ચિંતિત છે અને અમે માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે તમામ પગલાં ભરીશું. છેલ્લા 1 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.50 લાખ લોકોના મોત થયા છે. જે કોરોનાના કારણે થયેલા મોત કરતાં પણ વધારે છે. છેલ્લા એક વર્ષમાં કોરોનાના કારણે 1.46 લાખ લોકોના મોત થયા છે.
માર્ગ અકસ્માતમાં મોત થનારા મોટા ભાગના લોકોની ઉંમર 18 થી 35 વર્ષ છે. તાજેતરના વર્લ્ડ બેંકના અહેવાલ અનુસાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યાની બાબતમાં ભારત ટોચે છે.
ભારતમાં માર્ગ અકસ્માતને કારણે એક વર્ષમાં 1.5 લાખ લોકોના મોત થાય છે અને 4.5 લાખ લોકો અપંગ બને છે. જેના કારણે દેશને જીડીપીના 3.14 ટકા નુકસાન થાય છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષની અંદર તમામ ફિઝિકલ ટોલ બૂથ હટાવી લેવામાં આવશે અને તેનું સૃથાને જીપીએસ ઇમેજિંગના આધારે ટોલ વસૂલ કરવામાં આવશે. તેમણે આજે ફરી એક વખત જણાવ્યું હતું કે 15 વર્ષ પછી કોમર્શિયલ વાહનોનું રજિસ્ટ્રેશમ રદ કરવામાં આવશે. જ્યારે 20 વર્ષ પછી ખાનગી વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે.
કેન્દ્ર, રાજ્ય, નગર નિગમ, પંચાયત, એસટીયુ, જાહેર એકમો, સંઘ અને રાજ્યની સાથે સ્વાયત્ત એકમોના તમામ વાહનોનું રજિસ્ટ્રેન 15 વર્ષ પછી રદ કરવામાં આવશે અને આવા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. ગડકરીના જણાવ્યા અનુસાર 20 વર્ષથી વધારે જૂના વાહનોની સંખ્યા 51 લાખ છે. 15 વર્ષથી વધારે જૂના વાહનોની સંખ્યા 34 છે અને ફિટનેસ પ્રમાણપત્ર વગરના 15 વર્ષથી વધારે જૂના 17 લાખ વાહન છે.
(સંકેત)