- ડીસી ડિઝાઇનના સ્થાપક અને કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની ધરપકડ
- મુંબઇ ક્રાઇમ બ્રાંચ દ્વારા તેમની ઓફિસથી કરાઇ ધરપકડ
- સૂત્રોનુસાર તેમની એક લક્ઝરી કાર પણ જપ્ત કરાઇ
મુંબઇ: ડીસી ડિઝાઇનના સ્થાપક અને જાણીતા કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનુસાર, છેતરપિંડીના મામલે દિલીપ છાબરિયાની ધરપકડ કરાઇ છે. દિલીપ છાબરિયાની એક લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી છે. ધરપકડ બાદ તેમને મુંબઇ પોલીસના હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે.
જો કે, મુંબઇ પોલીસે આ અંગે કોઇપણ જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો છે અને ચુપકીદી સાધી છે. દિલીપ છાબરિયાની જપ્ત કરાયેલી કાર હાલમાં મુંબઇ પોલીસના હેડક્વાર્ટરમાં પાર્ક કરેલી જોવા મળી રહી છે. મુંબઇ પોલીસ આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે વધુ જાણકારી આપે તેવી શક્યતા છે.
મિડ ડેના અહેવાલ અનુસાર, એપીઆઇ સચિન વાઝે અને તેમની ટીમ દ્વારા દિલીપ છાબરિયાની તેમની એમઆઇડીસીમાં આવેલી ઓફિસેથી ધરપકડ કરી છે. તેમની સામે ગત 19મી ડિસેમ્બરે ફરિયાદ નોંધાઇ હતી.
નોંધનીય છે કે, દિલીપ છાબરિયા ભારતના જાણીતા કાર મોડિફિકેશન સ્ટુડિયો ડીસી ડિઝાઇનના સ્થાપક છે. તેમણે ભારતની પહેલી સ્પોર્ટ્સ કાર કહેવાતી ડીસી અવંતી ડિઝાઇન કરી હતી અને તેનું મેન્યુફેક્ચરિંગ પણ કર્યું હતું. છાબરિયા પોતાની પાસે પણ કારનું વિશાળ કલેક્શન છે.
(સંકેત)