- મુંબઇમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ જૂન સુધી સામાન્ય થઇ શકે છે
- તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ વિશ્લેષણ બાદ આ દાવો કર્યો
- 1 જુલાઇ સુધીમાં સ્કૂલો ફરીથી ખુલી શકવાનો પણ કરાયો દાવો
મુંબઇ: વર્તમાન સમયમાં દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે મુંબઇમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ જૂન સુધી સામાન્ય થઇ શકે છે. માત્ર શરત એટલી જ છે કે રસીકરણ ખૂબ જ ઝડપથી ચાલુ રહે અને કોરોના વાયરસનું કોઇ નવું વર્ઝન ના આવી જાય. તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમે પોતાના વિશ્લેષણ બાદ આ દાવો કર્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર મુંબઇમાં કોરોના વાયરસની બીજી લહેર અંગે ઝીણવટપૂર્વક સંશોધન કરી રહેલા નિષ્ણાતોએ એક ગાણિતીક મોડલને આધારે એવું અનુમાન કર્યું છે કે, મેના પ્રથમ સપ્તાહમાં કોરોનાથી થતા મોતમાં પીક આવી શકે છે. 1 જુલાઇ સુધી શહેરમાં સ્કૂલો ખોલવાની સ્થિતિ આવી જશે.
ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો એક જ વેરિએન્ટ હતો. જો કે, સ્થાનિક ટ્રેન સેવા ફરીથી શરૂ કરતા જ વાયરસના પ્રસાર માટે વાતાવરણ મળી ગયું હતું અને આ કારણે બીજી લહેર આવી ગઇ હતી. નિષ્ણાતોએ ફેબ્રુઆરીની આસપાસ અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે અનલોકની પ્રવૃત્તિને પણ કોરોના સંક્રમણનું કારણ ગણાવ્યું છે. 1લી ફેબ્રુઆરી આસપાસ અપ્રભાવી વેરિયન્ટ ખૂબ નાના સ્તર પર ફેલાયો હતો, જો કે માર્ચના મધ્ય સુધી સ્થિતિ ચિંતાજનક બની હતી.
જણાવી દઇએ કે, ગત વર્ષે મળેલા કોરના વાયરસના વેરિયન્ટની સરખામણીમાં વર્તમાન વેરિયન્ટ 2 થી 2.5 ગણો વધારે સંક્રામક છે. અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ઉપરના આંકડા ખોટા હોઇ શકે છે પરંતુ મુંબઇમાં સૌથી વધારે લોકો સંક્રમિત થવા પાછળ નવો વેરિયન્ટ હોવાનો દાવો છે.
સરકારી આંકડા પ્રમાણે કોવિડની બીજી લહેરથી મુંબઈમાં 2.3 લાખ લોકો પ્રભાવિત થયા છે. એકલા એપ્રિલમાં 1,479 લોકોનાં મોત થયા છે. 1 મેના રોજ શહેરમાં 90 મોત થયા હતા.
દેશમાં કોરોનાની બીજી લહેર (Corona second wave)એ કોહરામ મચાવી દીધો છે. સ્થિતિ એવી છે કે છેલ્લા 12 દિવસથી સતત ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક દિવસે તો કોરોનાનો આ આંકડો 4 લાખને પાર પણ પહોંચી ગયો હતો.
(સંકેત)