Site icon Revoi.in

નાગાલેન્ડે દેશના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય જોડ્યો, વિપક્ષ રહિત સરકાર ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું

Social Share

નવી દિલ્હી: ભારતના રાજકારણમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ અને ઘમસાણ સામાન્ય વાત છે પરંતુ ભારતમાં હવે એક એવું રાજ્ય પણ છે જ્યાં હવે વિપક્ષ વગર સરકાર ચાલશે. પૂર્વોત્તર નાગાલેન્ડ આ રાજ્ય છે. નાગાલેન્ડ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વિપક્ષ વગર જ સરકાર ચાલશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, મોટા રાજકીય બદલાવના ક્રમમાં તમામ પાર્ટીઓએ એક સાથે મળીને સરકાર ચલાવવાનો નિર્ણય લીધો છે. નાગાલેન્ડ વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનારા તમામ રાજકીય દળોએ કોહિમા ખાતે એક સર્વદળીય સરકારની રચનાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આ સાથે જ સત્તા પક્ષ અને તમામ વિપક્ષી દળોએ હાથ મિલાવી લીધો છે.

નાગાલેન્ડે દેશના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડી દીધો છે. હવે ત્યાં વિપક્ષ રહિત સરકાર ચાલશે. રાજધાની કોહિમા ખાતે સર્વદળીય બેઠકમાં તેના પર અંતિમ મહોર લાગી હતી. સત્તા પક્ષ અને વિપક્ષે મળીને કામ કરવાનો નિર્ણય લીધો હતો.

સદને એવો સંકલ્પ લીધો હતો કે, નવી સરકાર સંયુક્ત લોકતાંત્રિક ગઠબંધન તરીકે ઓળખાશે. આ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી પણ સામેલ છે. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયૂ રિયોની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં વિપક્ષ રહિત સરકાર અપનાવવા માટેનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.

આ નિર્ણય બાદ મુખ્યમંત્રી રિયોએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, નાગાલેન્ડમાં વિપક્ષ રહિત સરકાર માટે સંયુક્ત લોકતાંત્રિક ગઠબંધનનું નામકરણ થયું છે. NDPP, BJP, NPF અને અપક્ષ ધારાસભ્યોના પાર્ટી નેતાઓ તેમજ ધારાસભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.