- પીએમ મોદીના કેબિનેટનું આજે સાંજે થશે વિસ્તરણ
- અનેક નવા ચહેરા કેબિનેટમાં થશે સામેલ
- શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં યોજાશે
નવી દિલ્હી: પીએમ મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળનું આજે સાંજે વિસ્તરણ થશે. સતત બીજીવાર સત્તામાં આવેલી મોદી સરકારમાં કેબિનેટનો આ પહેલો ફેરબદલ અને વિસ્તરણ હશે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહને રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આયોજીત કરાશે.
કેબિનેટ વિસ્તરણ પહેલા પીએમ મોદીએ આજે મંત્રીઓ સાથે બેઠક યોજશે જેમાં કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓના નામ પર અંતિમ મહોર લાગે તેવી સંભાવના છે.
કેબિનેટ વિસ્તરણમાં રાજ્યો અને જાતિ આધારિત ક્વોટાને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. નવી કેબિનેટમાં અન્ય પછાત વર્ગનું સૌથી વધુ પ્રતિનિધિત્વ હશે અને નવી કેબિનેટમાં 25થી વધુ OBC મંત્રીઓ હશે. આ ઉપરાંત SC અને ST કોટોના 10-10 મંત્રીઓને કેબિનેટ વિસ્તરણમાં જગ્યા અપાશે.
રાજ્યોના પ્રતિનિધિત્વને પણ વિસ્તરણમાં ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે અને લગભગ દરેક રાજ્યના પ્રતિનિધિ કેબિનેટમાં સામેલ થશે. મધ્ય પ્રદેશ, અસમ, મહારાષ્ટ્ર, બિહાર, યુપી, ઓડિશા, કર્ણાટક, હરિયાણા, અને દિલ્હીના નેતાઓની મોદી કેબિનેટમાં એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
આ સાથે જ નવી બનનારી કેબિનેટ દેશની સૌથી યુવા કેબિનેટ બનશે કારણ કે વિસ્તરણમાં યુવાઓને વધુ મહત્વ અપાયું છે જેમની ઉંમર સરરાશ ઉમર કરતા ઓછી છે. એ જ રીતે ભણેલા ગણેલા લોકોને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે.