- પર્યાવરણની દૃષ્ટિએ વિશ્વના 100 સૌથી જોખમી શહેરોની યાદી જાહેર થઇ
- આ યાદીમાં ભારતના જ 43 શહેરોનો સમાવેશ થાય છે
- પર્યાવરણની પર્યાપ્ત સંભાળ અને સંવર્ધન ના થતું હોવાથી જોખમ સર્જાયું છે
નવી દિલ્હી: વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઇ રહી છે. વિશ્વના અનેક શહેરો પર્યાવરણના જોખમો સામે લડી રહ્યાં છે. પર્યાવરણની દૃષ્ટિએ વિશ્વના સૌથી 100 જોખમી શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારતના જ 43 શહેરોનો સમાવેશ થાય છે. ભારતના મોટા ભાગના શહેરોમાં પર્યાવરણને લગતા જોખમો જોઇ શકાય છે. એટલે કે પર્યાવરણની પર્યાપ્ત સંભાળ અને સંવર્ધન ના થતું હોવાથી જોખમ સર્જાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એન્વાયર્મેન્ટ રિસ્ક આઉટલૂક-2021નો અહેવાલ રજૂ કરાયો છે. આ અહેવાલ અનુસાર ભારતના 43 શહેરો પર જોખમ મંડરાઇ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જના કારણે જે પર્યાવરણીય જોખમ ઉપસ્થિત થયું છે એમાં ભારતના ઘણા શહેરો સામેલ છે. એશિયાના 100માંથી 99 શહેરો ઉપર કોઇને કોઇ જોખમ છે.
એશિયાના પર્યાવરણની દૃષ્ટિએ જોખમી શહેરોમાં ભારત પછી બીજા ક્રમે 37 શહેરો સાથે ચીન છે. રીપોર્ટ પ્રમાણે ઈન્ડોનેશિયાનું જકાર્તા સૌથી જોખમી શહેર છે. દિલ્હી બીજા ક્રમનું જોખમી શહેર છે. ચેન્નાઈ ત્રીજું, આગરા છઠ્ઠુ અને કાનપુર દસમું જોખમી શહેર બન્યું હતું. આ યાદીમાં જયપુર, લખનઉ, બેંગ્લુરુ, મુંબઈ જેવા શહેરોનો પણ સમાવેશ થતો હતો.
અહેવાલમાં નોંધ થઈ હતી એ પ્રમાણે પ્રદૂષણ એ આ શહેરોનું સૌથી મોટું પર્યાવરણ જોખમ હતું. દેશમાં થનારા સરેરાશ પાંચમા મોત પાછળ વાયુ પ્રદૂષણ જવાબદાર છે. તેના કારણે ભારતના અર્થતંત્રને લગભગ 2,64,864 કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું.
આ યાદીમાં 14 શહેરો યુરોપના છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઈન્ટેલિજન્સના અહેવાલ પ્રમાણે દુનિયાના મોટાભાગના શહેરો ઉપર પ્રદૂષણનું જોખમ મંડરાઈ રહ્યું છે.