નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને સતત અપડેટ રાખવી આવશ્યક: રક્ષામંત્રી રાજનાથ સિંહ
- અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન
- અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતની સતત નજર
- નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને અપડેટ રાખવી આવશ્યક
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સાંપ્રત સ્થિતિ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં જે થઇ રહ્યું છે તે સુરક્ષાની દૃષ્ટિએ નવા પડકારો અને નવા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે અને અમારી સરકાર ત્યાંની પ્રવર્તમાન સ્થિતિ પર નજર રાખી રહી છે.
રાજનાથ સિંહે ચેતવણી આપતા કહ્યું હતું કે, ભારતીયોની સુરક્ષાની સાથોસાથ અમારી સરકાર પણ ઇચ્છે છે કે, દેશવિરોધી શક્તિઓ ત્યાંના વિકાસનો લાભ લઇને સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન ના આપે. તેમણે કહ્યું કે, અમારી પાસે કેટલીક અન્ય ચિંતાઓ છે જે રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી એક પડકાર બની શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દરેક મોરચે કામ ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાને લઇને કેટલીક નવી ધમકીઓ પણ સમે આવી છે, જે આધુનિક ટેક્નોલોજીના વિકાસને કારણે જોવા મળી છે. જમ્મૂના એરફોર્સ સ્ટેશન પર બનેલી ઘટનાઓ આપણા બધાનું ધ્યાન ખેંચ્યું છે. નવા પડકારો માટે રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને સતત અપડેટ અને અપગ્રેડ કરવી પડશે.
ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે જે વિશાળ કાર્ય ચાલી રહ્યું છે તે પોતે અભૂતપૂર્વ છે. સુરક્ષાને લગતા દરેક વિભાગ વચ્ચે ખૂબ સારો સમન્વય છે. રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી, પછી ભલે તે બાહ્ય સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષા હોય અથવા રાજદ્વારી મોરચે ભારતના વ્યૂહાત્મક હિતોની રક્ષા અને મજબૂતીકરણનું કાર્ય હોય, અમે દરેક મોરચે ભારતની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.