- એમ્સના ડાયરેક્ટરે સિટી સ્કેન કરાવતા લોકોને ચેતવ્યા
- કહ્યું – વારંવાર સિટી સ્કેન કરાવવાથી કેન્સર થવાનો ખતરો રહે છે
- જો તમને કોરોનાના હળવા લક્ષણો છે તો સિટી સ્કેન કરાવવાની આવશ્યકતા નથી
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને લઇને લોકોમાં ચિંતા પ્રવર્તી છે. તેનાથી ડરીને લોકો અલગ અલગ પ્રકારનો ઉપાયો કરી રહ્યા છે અને તે વધુ ઘાતક સાબિત થઇ રહ્યા છે. એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે, જે દર્દી વારંવાર સિટી સ્કેન કરાવી રહ્યાં છે, તે જીવ સાથે એક મોટો ખતરો લઇ રહ્યા છે. તેમણે લોકોને ચેતવતા કહ્યું હતું કે, સિટી સ્કેનથી કેન્સર થવાનો ખતરો થઇ રહ્યો છે.
ડૉ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, રેડિએશનના એક ડેટાનું વિશ્લેષણ કરવા પર જાણવા મળે છે કે લોકો ત્રણ-ત્રણ દિવસમાં સિટી સ્કેન કરાવી રહ્યા છે. તેમણે વધુ એક ખાસ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે, જો તમે પોઝિટિવ છો અને તમારામાં હળવા લક્ષણ છે તો તમારે સિટી સ્કેન કરાવવાની જરૂર નથી. કારણ કે સિટી સ્કેન કરાવવામાં જે રિપોર્ટ સામે આવે છે તેમાં થોડી ફોલ્લીઓ આવી જાય છે, જેને જોઇને દર્દી પરેશાન થઇ જાય છે.
જો હળવા લક્ષણ હોય તો કોઇ દવાની જરૂર નથી
જો તમે કોરોના પોઝિટિવ છો પરંતુ તમને શ્વાસ લેવામાં કોઇ મુશ્કેલી થઇ રહી નથી, તમારું ઓક્સિજન લેવલ બરાબર છે અને વધુ તાવ નથી તો ડરવાની આવશ્યકતા નથી. આ દર્દીઓએ વધુ દવા પણ ના લેવી જોઇએ. આ દવાઓ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે અને સ્વાસ્થ્ય વધુ બગડે છે. લોકો વારંવાર લોહીની તપાસ કરાવે છે જ્યાં સુધી ડૉક્ટર ના કહે ત્યાં સુધી તમે બધુ ના કરો. તેનાથી તમારી ચિંતા વધે છે.
સિટી સ્કેનથી કેન્સરનો ખતરો
એમ્સના ડાયરેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, હોમ આઇસોલેશનમાં રહેતા લોકો પોતાના ડોક્ટરના સંપર્કમાં રહે. સેચુરેશન 93 કે તેનાથી ઓછી થઇ રહી છે, બેભાન જેવી સ્થિતિ, છાતીમાં દુખાવો હોય તો ડોક્ટરનો સંપર્ક કરો. આજકાલ લોકો સિટી સ્કેન કરાવી રહ્યાં છે. જ્યારે સિટી સ્કેનની જરૂર નથી, તેને કરાવી તમે ખતરો નોંતરી રહ્યા છો. સિટી સ્કેનથી તમે રેડિએશનને સંપર્કમાં લાવી રહ્યા છો. ત્યારબાદ કેન્સર થવાની સંભાવના વધી જાય છે.
(સંકેત)