- NEET MDS કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી શરૂ થશે
- કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદાનામું દાખલ કર્યું
- OBCને 27 ટકા અનામત આપવામાં આવશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં NEET MDS 2021ની કાઉન્સિંલિંગ અંગે સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, NEET MDS 2021 માટે કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી 10 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ધારાધોરણો અનુસાર, OBCને 27 ટકા અનામત આપવામાં આવશે અને EWS શ્રેણીમાં 10 ટકા અનામત અપાશે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, સરકાર વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે વહેલી તકે કાઉન્સેલિંગ કરવા માટે પ્રતિબદ્વ છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને MR શાહની ડિવિઝન બેંચ આજે આ મામલે સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે NEET MDS પરીક્ષા 16 ડિસેમ્બર, 2020ના રોજ લેવામાં આવી હતી અને તેના પરિણામો 31 ડિસેમ્બર 2020 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, કાઉન્સેલિંગની તારીખો અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી.
29 જુલાઇએ, કેન્દ્રએ વર્તમાન શૈક્ષણિક સત્રથી સ્નાતક અને અનુસ્નાતક તબીબી અને ડેન્ટલ અભ્યાસક્રમો માટે ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ)માં OBC માટે 27% અને આર્થિક રીતે નબળા વિભાગો (EWS) માટે 10% અનામતની જાહેરાત કરી છે.
અધિક સોલિસિટર જનરલ કેએમ નટરાજે જણાવ્યું હતું કે, કેન્દ્રએ 19 જુલાઈએ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે, NEET-MDSનું કાઉન્સેલિંગ વર્ચ્યુઅલ રીતે હાથ ધરવામાં આવશે. પરામર્શ હાલની આરક્ષણ નીતિઓ અનુસાર હાથ ધરવામાં આવશે. કાઉન્સેલિંગની તારીખ જાહેર કરવામાં વિલંબ સર્વોચ્ચ અદાલત દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટા બેઠકોમાં ઓબીસી અનામત અંગે માંગવામાં આવેલા ખુલાસાને કારણે થયો હતો.