- નેપાળ પણ હવે ચીનના ઇશારે ભારતમાં કરી રહ્યું છે પેશકદમી
- ભારતની સરહદે નો મેન્સ લેન્ડમાં નેપાળે અનેક ગામડાં બનાવી લીધા હોવાનો દાવો
- ત્યાં અચાનક 15-20 નેપાળી પરિવારો ઠેરઠેર રહેવા લાગ્યા છે
શ્રાવસ્તી: એક તરફ ચીન ભારતમાં સતત ઘૂસણખોરીની ચાલ ચાલતું આવ્યું છે અને હવે નેપાળ પર આ જ રાહે ચાલી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભારતની સરહદે નો મેન્સ લેન્ડમાં નેપાળે અનેક ગામડાં બનાવી લીધા હોવાનો સનસનીખેજ દાવો થયો છે. ચીનના ઇશારે નેપાળે ભારતની સરહદે પેશકદમી શરૂ કરી છે. બંને દેશોના નાગરિકોએ રહેવું નહીં એવી સમજૂતિ જે વિસ્તાર માટે થઇ હતી ત્યાં અચાનક 15-20 નેપાળી પરિવારો ઠેરઠેર રહેવા લાગ્યા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી અને બહેરાઇચ જીલ્લામાં નેપાળની સરહદે લગભગ 43 થી 45 ફૂટનો વિસ્તાર નો મેન્સ લેન્ડ જાહેર થયો છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર પ્રમાણે આ વિસ્તારમાં બંનેમાંથી એકેય દેશના નાગરિકોને રહેવાની પરવાનગી મળતી નથી, પરંતુ ચીનના ઇશારે નેપાળે ભારતની સરહદે વિસ્તારવાદી નીતિ અપનાવી છે.
મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે ભારત-નેપાળની સરહદે નો મેન્સ લેન્ડમાં અનેક ઠેકાણે 15-20 નેપાળી પરિવારો રહેવા લાગ્યા છે. લગભગ 1 ડઝન જેટલા સ્થળોએ આ ગેરકાયદે વસવાટ શરૂ થઇ ચૂક્યો છે. મીડિયા પ્રમાણે સ્થાનિક જીલ્લા પ્રશાસન તો આ બાબતે સાવ અજાણ જ છે.નેપાળે નો મેન્સ લેન્ડમાં અનેક જગ્યાએ કબ્જો જમાવવાનું શરૂ કર્યું છે.
62મી બટાલિયન એસએસબીના સોનપથરી કંપનીના કમાન્ડર અજય કુમારને ટાંકીને અહેવાલોમાં દાવો થયો હતો એ પ્રમાણે આ અધિકારીએ નેપાળની સરહદે ગતિવિધિ તેજ થઈ હોવાની વાત સ્વીકારી હતી અને એ વિસ્તારમાં આબાદી વધી હોવાનું પણ કહ્યું હતું. ભારત-નેપાળના સંબંધો વર્ષો સુધી ખૂબ જ ગાઢ રહ્યા હતા, પરંતુ છેલ્લાં વર્ષોમાં સંબંધો વણસ્યા હતા. નેપાળ-ભારતની સરહદે રહેતા લોકોમાં રોટી-બેટીનો વહેવાર પણ છે, છતાં ચીનના ષડયંત્રના ભાગરૃપે હવે સરહદી વિસ્તારોમાં રહેતા યુવાનોમાં ભારત વિરૃદ્ધ અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે.
(સંકેત)