Site icon Revoi.in

દેશના 18 રાજ્યોમાં કોરોના વાયરસનો નવો ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ મળ્યો, ચિંતા વધી

Social Share

નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે હવે કોરોના વાયરસના નવા મળી આવેલા ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટે ચિંતામાં વધારો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોના વાયરસના એક નવા ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ 18 રાજ્યોમાં જોવા મળ્યો છે. જે અત્યંત ગંભીર મુદ્દો છે. દેશભરના અનેક રાજ્યો કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવી ચૂક્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ સિવાય અન્ય સ્ટ્રેન પણ જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 10,787 સેમ્પલ્સમાંથી 771માં ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ જોવા મળ્યા હતા, જે પૈકી 736 પોઝિટિવ સેમ્પલ્સમાં યુકે વેરિયન્ટ અને 3 સેમ્પલ્સમાં આફ્રિકન વેરિયન્ટ જોવા મળ્યો હતો. દેશમાં કોરોના સંક્રમણથી પ્રભાવિત રાજ્યો પેકી 18 રાજ્યોમાં આ ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ જોવા મળ્યા હતા.

દેશના સૌથી વધુ પ્રભાવિત રાજ્યો પૈકી કેરળના 1 જીલ્લાઓમાં જે કોરોના વાયરસનો નવો પ્રકાર જોવા મળ્યો હતો એ જ વેરિયન્ટ ડેનમાર્ક, સિંગાપોર, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ વિષય પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટનો અર્થ થાય છે કે કોરોના વાયરસના બે અલગ-અલગ વેરિયન્ટથી સંક્રમિત થવું. વિશ્વમાં આ પ્રકારનો પહેલો કેસ બ્રાઝીલમાં જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, કર્ણાટક, છત્તીસગઢ સહિત અનેક રાજ્યો કોરોના સંક્રમણની બીજી લહેરની ઝપેટમાં આવી ચૂક્યા છે અને અહીં રોજ સામે આવી રહેલા સંક્રમણના નવા કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. એવામાં 18 પ્રભાવિત રાજ્યોમાં વાયરસના ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ જોવા મળવું એ એક ચિંતાનો વિષય છે.

(સંકેત)