- સમગ્ર દેશમાં હાલમાં ફાસ્ટેગનું કરાયું છે અમલીકરણ
- આગામી 1 વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની સરકારની યોજના
- આગામી સમયમાં માત્ર ટેક્નોલોજીથી દરેક ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં જ્યારે કારચાલકો માટે ફરજીયાતપણે ફાસ્ટેગ અમલી બન્યું છે ત્યારે હવે સરકાર હવે એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની યોજના પર કામ કરી રહી છે. લોકસભામાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી હતી. આગામી સમયમાં ટેક્નોલોજીની મદદથી લોકોએ દરેક ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમરોહાના BSP સાંસદ કુવર દાનિશ અલીએ ગઢ મુક્તેશ્વર પાસેના રસ્તા પર નગમ નિગમની સરહદમાં ટોલ પ્લાઝા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, પાછલી સરકારે સડક પરિયોજનાના કોન્ટ્રાક્ટમાં વધુ મલાઇ ઉમેરવા નગરની સરહદે અનેક ટોલ પ્લાઝા બનાવ્યા જે નિશ્વિતરૂપે ખોટુ છે. હવે જો તે ટોલ પ્લાઝા કાઢવા જઇએ તો રસ્તો બનાવનારી કંપની વળતર માંગશે. પરંતુ સરકારે આગામી 1 વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝાનો અંત લાવવાની યોજના બનાવી છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ટોલના અંતનો અર્થ ટોલ પ્લાઝાનો અંત છે, સરકાર એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જમાં તમે જ્યાંથી હાઇવે પર ચઢશો ત્યાંથી જીપીએસની મદદથી કેમેરો તમારો ફોટો લેશે અને જ્યાંથી ઉતરશો ત્યાં ફોટો લેશે. આમ એટલા જ અંતરનો ટોલ ચૂકવવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમયથી ટોલ પ્લાઝાના કારણે થતા ટ્રાફિક જામ મુસાફરોને પડતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તમામ નેશનલ હાઈવે પર ફાસ્ટેગની સુવિધા લાગુ કરી હતી જેથી વાહનો લાઈનમાં લાગ્યા વગર ઓટોમેટિક રીતે ટોલ પ્લાઝા પર ટોલ ભરી શકે.
(સંકેત)