Site icon Revoi.in

દેશમાં આ રીતે માત્ર 20 દિવસમાં રસીની અછત થઇ શકે દૂર, નીતિન ગડકરીએ દર્શાવ્યો ઉપાય

Social Share

નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ અનેક રાજ્યોમાં રસીની અછતને લઇને સરકાર ટીકાનો સામનો કરી રહી છે ત્યારે હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે જો દેશમાં અન્ય કંપનીઓને પણ રસી બનાવવાની પરવાનગી આપવામાં આવે તો માત્ર 15-20 દિવસમાં રસીની અછતને દૂર કરી શકાય છે.

તે ઉપરાંત તેમણે સૂચન કર્યું હતું કે, લાઇફ સેવિંગ ડ્રગને પણ તમામ કંપનીઓને બનાવવાના લાઇસન્સ આપવા જોઇએ. તેમણે ઓક્સિજનની અછતને કારણે થઇ રહેલા મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દેશમાં અંતિમ સંસ્કાર માટેનું યોગ્ય પ્રબંધન કરવું જોઇએ.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, રસીના સપ્લાયની સરખામણીએ તેમની માંગ વધારે રહે છે. અન્ય કંપનીઓને પણ રસીના ઉત્પાદન માટે મંજૂરી આપવી અનિવાર્ય છે. આ માટે રસીના મૂળ પેટન્ટ ધારક કંપનીઓએ બીજી કંપનીઓ દ્વારા 10 ટકા રોયલ્ટીની ચૂકવણી કરવી જોઇએ.

જો દેશમાં વધારે કંપનીઓને રસી ઉત્પાદન માટે પરવાનગી અપાશે તો દેશમાં રસીની માંગને પહોંચી વળાશે. એક વાર જ્યારે દેશમાં રસીની માંગ પૂરી થઇ જાય અને ઉત્પાદન સરપ્લસ થાય ત્યારે વિદેમાં નિકાસ પણ શક્ય બની શકે છે.

દેશમાં દરેક રાજ્યોમાં 2-3 લેબ છે જેને રસી બનાવવા દેવી જોઇએ. ફક્ત સેવાના હેતુથી નહીં બલ્કે 10 ટકા રોયલ્ટીના આધાર પર. આ કામ 15-20 દિવસની અંદર થઇ શકે છે. હાલમાં મેમાં દેશના લોકો માટે 7.30 કરોડ રસી ઉપલબ્ધ છે. જેમાંથી 1.27 કરોડ ડોઝ સીધા રાજ્ય સરકાર ખરીદી રહી છે. જ્યારે 80 લાખ ડોઝ ખાનગી હોસ્પિટલો દ્વારા ખરીદાઇ રહ્યા છે.