- દેશમાં માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા ઘટાડવા નીતિન ગડકરીનો પ્રસ્તાવ
- દરેક પ્રાઇવેટ વ્હીકલ્સમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જરૂરી
- અત્યારે માત્ર 10 લાખથી ઉપરની કિંમતની કારમાં 6 એરબેગ્સ હોય છે
નવી દિલ્હી: ભારતમાં દૈનિક સ્તરે અનેક રાજ્યોમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા સુધીનો વારો આવે છે ત્યારે હવે લોકો અને વાહનચાલકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક પ્રાઇવેટ વ્હીકલ્સમાં ઓછામાં ઓછા 6 એરબેગ્સ રાખવાનો પ્રસ્તાવ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ મૂક્યો છે. આપને જણાવી દઇએ કે હાલમાં માત્ર 10 લાખથી ઉપરની કારના ટોપ વેરિએન્ટમાં 6 એરબેગ્સ જોવા મળે છે, પરંતુ 10 લાખથી ઓછી કિંમતની કારમાં માત્ર 2 એરબેગ્સ હોય છે.
ભારતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા અનેક છે અને સરકારી પ્રયાસો છતાં અકસ્મામતોમાં જીવ ગુમાવનારની સંખ્યા ઓછી નથી થઇ રહી. એવી સ્થિતિમાં સરકારી પ્રયાસો ઉપરાંત ઑટોમોબાઇલ કંપનીઓ પણ પોતાની કારોમાં સેફ્ટી ફીચર્સનું ખાસ ધ્યાન રાખી રહી છે અને હવે 10 લાખથી ઓછી કિંમતની કારોમાં ઓછામાં ઓછી 2 એરબેગ્સ તો હોય જ છે અને હવે સરકાર પણ દરેક સીટ સામે એરબેગ્સ ફરજીયાત કરવા વિચારી રહી છે.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (એસઆઈએએમ)ના અધિકારીઓની સાથે તાજેતરની એક મીટિંગમાં યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે, ગાડીઓના સેફ્ટી સ્ટાન્ડર્ડસને સુધારવાની તાતી જરૂરિયાત છે અન તેના માટે બધી કંપનીઓએ પોતાની કારોમાં એરબેગ્સની સંખ્યા વધારવી જોઈએ. કેન્દ્રીય મંત્રીનું કહેવું હતું કે, બધી કારના મોડલ્સમાં ઓછામાં ઓછા 6 એરબેગ્સ જરૂરી છે, જેથી સારા સેફ્ટી ફીચર્સના કારણે માર્ગ અકસ્માતોમાં લોકોનો જીવ બચી શકે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પહેલા એક આદેશમાં ઓટોમોબાઈલ કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, 31 ઓગસ્ટ, 2021 સુધી ભારતમાં વેચાતી બધી કારોમાં 2 એરબેગ્સ હોવી જોઈએ.