- દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે CNG ટ્રેક્ટર થશે લોંચ
- આ ટ્રેક્ટરથી ઇંધણની બચત થશે તેમજ ખેડૂતોને સીધો જ ફાયદો થશે
- આ ટ્રેક્ટર CNG હોવાથી તેનાથી પ્રદૂષણ પણ ઓછું થશે
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે આ વચ્ચે ખેડૂતો માટે એક સારા સમાચાર છે. હવે ખેતીકામ માટે CNG સંચાલિત ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે દેશનું પ્રથમ સીએનજી ટ્રેક્ટર લોંચ કરશે. ડીઝલની તુલનાએ સીએનજી ટ્રેક્ટરથી ખેતી કરવાથી ઇંધણની બચત થશે. ઇંધણની બચત થવાનો સીધો ફાયદો ખેડૂતોને થશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાવમેટ ટેક્નો સોલ્યૂશન અને ટોમેસેટો અચીલે ઇન્ડિયાએ ટ્રેક્ટરમાં સીએનજી કીટ લગાવી છે. આ સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને સીધો ફાયદો થશે. સીએનજી ટ્રેક્ટરથી ખેતી કરવાથી ખર્ચ ઓછો આવશે. અન્ય એક ફાયદો એ પણ મળશે કે સીએનજીથી પ્રદૂષણ પણ ઓછું થશે. એટલે કે આ ટ્રેક્ટર પર્યાવરણના સંવર્ધન માટે વધુ લાભદાયી સાબિત થશે.
એવો પણ દાવો છે કે સીએનજી એન્જીન ધરાવતા ટ્રેક્ટરનું આયુષ્ય ડીઝલ ટ્રેક્ટરોની તુલનાએ વધુ હશે. આ ઉપરાંત સીએનજી ટ્રેક્ટરની માઇલેજ પણ વધારે હશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીએનજી ટ્રેક્ટરથી ખેડૂતોને દર વર્ષે ઇંધણમાં 1 લાખ રૂપિયાની બચત થશે.
ઉલ્લેખનીય છે કે હાલ સીએનજી અને ડીઝલની કિંમતમાં ખૂબ મોટો તફાવત છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ 78 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે, જ્યારે સીએનજીનો ભાવ 42.70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ વધારો ઘટાડો થાય છે.
રોડ પરિવહન અને હાઇવે મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સીએનજીમાં રૂપાંતરિત કરેલું પ્રથમ ડ્રીઝલ ટ્રેક્ટર કાલે (શુક્રવારે) નીતિન ગડકરી ઔપચારિક રીતે બજારમાં રજૂ કરશે. આ ટ્રેક્ટર ખૂબ સુરક્ષિત છે. કારણ કે તેની સીએનજી ટેન્ક પર મોટું સીલ લગાવવામાં આવ્યું છે. આનાથી ઇંધણ ભરતી વખતે અથવા ગેસ લીક થવાના કેસમાં વિસ્ફોટ થવાનો ખતરો ઓછો થાય છે.”
(સંકેત)