પેગાસસ મામલે વિપક્ષને બિહારના CM નીતિશ કુમારનું સમર્થન, કહ્યું – પેગાસસ મામલે તપાસ થવી જોઇએ
- પેગાસસ મામલે વિપક્ષને મળ્યું બિહારના CM નીતિશ કુમારનું સમર્થન
- કહ્યું – પેગાસસ મામલે તપાસ થાય તે જરૂરી છે
- અમે ઘણા દિવસોથી ટેલિફોન ટેપિંગના વિશે સાંભળી રહ્યા છીએ
નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે અને હવે પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. સીએમ નીતિશ કુમારે કહ્યું છે કે, પેગાસસ કેસની તપાસ થાય તે અનિવાર્ય છે. અમે ઘણા દિવસોથી ટેલિફોન ટેપિંગના વિશે સાંભળી રહ્યા છીએ. આ કિસ્સામાં તપાસ થવી જોઇએ. જનતા દરબાર પૂર્ણ થયા બાદ CM નીતિશ કુમારે આ મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
જાતિ આધારિત વસ્તી ગણતરી વિશેના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેના સ્તરથી જાતિની વસ્તી ગણતરી કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે આજે જ જાતિ આધારિત વસ્તી ગણતરી માટે ફરીથી વિનંતી કરીશું. આવું કરવું કે ના કરવું એ કેન્દ્ર પર છે. જાતિ ગણતરીથી સમાજમાં તણાવ પ્રવર્તશે તે એકદમ પાયાવિહોણી વાત છે. તેનાથી પ્રત્યેક વ્યક્તિ ખુશ થશે.
પેગાસસ જાસૂસી મામલે પૂછવામાં આવેલા સવાલ પર સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે, આવા કેસો સતત બહાર આવી રહ્યા છે, આવી સ્થિતિમાં તેની યોગ્ય રીતે તપાસ થવી જોઇએ. સમગ્ર મામલાની કાળજીપૂર્વક તપાસ કરી શકાય છે. તપાસ બાદ જ યોગ્ય પગલાં ભરવા જોઇએ.