રાહતના સમાચાર! ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી: સ્વાસ્થ્ય મંત્રી
- કોવિડના નવા વેરિએન્ટને લઇને ભારતમાં રાહતના સમાચાર
- ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નથી
- સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી
નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ માંડ હળવો થઇ રહ્યો હતો ત્યાં જ દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા વેરિએન્ટથી ફરીથી સમગ્ર વિશ્વ ચિંતિત બન્યું છે. જો કે ભારતમાં કોવિડના નવા વેરિએન્ટને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું આ નિવેદન રાહત આપનારુ છે. રાજ્યસભામાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં અત્યારસુધી કોવિડના નવા એમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નથી નોંધાયો.
રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોવિડના નવા વેરિએન્ટ અંગે કહ્યું કે, ભારતમાં અત્યારસુધી આ વેરિએન્ટનો એક પણ કેસ જોવા મળ્યો નથી. ભાજપના ટીજી વેંકટેશે ઓમિક્રોન સામે ભારત સરકારની તૈયારી અંગે સવાલ પૂછ્યો હતો. તેના સવાલના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટ અત્યારસુધી 14 દેશમાં મળી આવ્યો છે. ભારતમાં એક પણ કેસ નથી મળ્યો.
સરકારની તૈયારી અંગે વાત કરતા તેઓએ જણાવ્યું કે, આ અંગે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જીનોમિંગ સીક્વેન્સિંગ કરાઈ રહ્યું છે. તેનાથી બચાવને લઈને નિયમોનું પાલન થઈ રહ્યું છે. તે અંગે તમામ તૈયારીઓ થઈ રહી છે. આપણી પાસે સંસાધનોની કમી નથી આથી આપણે કોઈ પણ સ્થિતિને પહોંચી વળી શકીએ છીએ.
અત્યારે ડેન્ગ્યૂ અને ટીબીની રસી પર કામ ચાલુ છે. નિષ્ણાતોના અભિપ્રાય બાદ તેને લોંચ કરાશે. દર વર્ષે ટીબીના 21-22 લાખ કેસ સામે આવે છે. તે માટે સરકાર કાર્ય કરી રહી છે. ટીબીની સંપૂર્ણ નાબૂદી માટે સરકાર કટિબદ્વ છે અને તે દિશામાં કામ કરી રહી છે.