- કાર ચાલકો તેમજ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા માટે મહત્વના સમાચાર
- હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ રાખવાની આવશ્યકતા નથી
- ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે નિયમોમાં ફેરફાર કર્યા
નવી દિલ્હી: કાર ચલાવનારાઓ તેમજ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI એ હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલન્સ નહીં રાખવું પડે તેવો નિર્ણય લીધો છે. જો કે, આ સુવિધા ફક્ત કાર, જીપ કે વાન માટે જ છે અને કોમર્શિયલ વાહનોને તેનો લાભ નહીં મળે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, હવેથી ફાસ્ટેગની સુવિધા આપનારાઓ બેંક સિક્યોરિટી ડિપોઝીટ સિવાય કોઇપણ પ્રકારનું મિનિમમ બેલેન્સ રાખવું અનિવાર્ય નહીં કરી શકે. પહેલા વિવિધ બેંક દ્વારા ફાસ્ટેગમાં સિક્યોરિટી ડિપોઝીટ ઉપરાંત મિનિમમ બેલેન્સ રાખવા કહેવામાં આવતું હતું. કેટલીક બેંક દ્વારા 150 કે 200 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવા ફરજ પાડવામાં આવતી હતી.
મિનિમમ બેલેન્સનો નિયમ હોવાના કારણે ફાસ્ટેગનો ઉપયોગ કરતા અનેક લોકોને ફાસ્ટેગ ખાતામાં પર્યાપ્ત શેષ રાશિ હોવા છતા ટોલ પ્લાઝામાંથી પસાર થવાની મંજૂરી નહોતી મળતી. આ કારણે ટોલ પ્લાઝા પર બિનજરૂરી બબાલ પણ થતી હતી.
બેલેન્સ નેગેટિવ ન હોય તો કાર પસાર થઈ શકે
NHAI દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણય પ્રમાણે હવે જ્યાં સુધી ગ્રાહકોના ફાસ્ટેગ વોલેટમાં નેગેટિવ બેલેન્સ ન હોય ત્યાં સુધી તેમને ટોલ પ્લાઝામાંથી પસાર થવાની અનુમતિ આપવામાં આવશે. જો ફાસ્ટેગ એકાઉન્ટમાં ઓછા પૈસા હોય તો પણ કારને ટોલ પ્લાઝા પાર કરવાની અનુમતિ મળશે. ટોલ પ્લાઝા પાર કર્યા બાદ ફાસ્ટેગ એકાઉન્ટ નેગેટિવ થવાની શક્યતા હોય તો પણ કારને ટોલ પ્લાઝા પાર કરવાની મંજૂરી અપાશે. જો કારચાલક કે ગ્રાહક તેને રિચાર્જ નહીં કરાવે તો નેગેટિવ બેલેન્સની રાશિ બેંક સિક્યોરિટી ડિપોઝીટમાંથી વસૂલ કરી શકે છે.
(સંકેત)