Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ: કોરોના સંક્રમણ બેકાબૂ બનતા નોઇડામાં 144ની કલમ લાગૂ કરાઇ

Social Share

નોઇડા: ઉત્તર પ્રદેશના નોઇડા વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે નોઇડા વિસ્તારમાં તત્કાળ અમલમાં આવે એ રીતે 144ની કલમ લાગુ કરી દેવાઇ છે.  આ આદેશ વર્ષ 2021ના જાન્યુઆરીની બીજી સુધી અમલમાં રહેશે એવી જાહેરાત કરાઇ હતી.

આ અંગે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં 23મી ડિસેમ્બરે ચૌધરી ચરણસિંઘ જયંતિ, 25મીએ ક્રિસમસ અને 1લી જાન્યુઆરીએ નૂતન વર્ષના અવસરે બહુ મોટી મેદની જમા થાય છે. કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને તમામ મેળાવડા-ઉત્સવો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. કોઇ પણ સંજોગોમાં ભીડ ભેગી ના થાય અને કોરોના સંક્રમણ ના ફેલાય તેની તકેદારી અમે રાખવાના છીએ. માત્ર 20 લોકો સાથે અંતિમ યાત્રાની પરવાનગી આપવામાં આવી છે.

કલમ 144 લાગુ કરવા અંગે નોઇડાના નાયબ પોલીસ કમિશનર આશુતોષ શર્માએ કહ્યું હતું કે અમે કોરોનાના સંક્રમણ અને દર્દીઓની વધતી સંખ્યાને જોતા આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય 6ટ્ઠી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. જે લોકો 144ની કલમનો ભંગ કરશે તેની સામે કાયદાકીય રીતે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે રવિવારે નોઇડાના ગૌતમ બુદ્વ નગરમાં કોરોનાના 138 નવા કેસ નોંધાતા આ વિસ્તારમાં કોરોનાગ્રસ્તનો આંકડો 23,458 પર પહોંચ્યો હતો. કોરોનાના આ રીતે સતત કેસ વધતા ત્યાં 144ની કલમ લાગુ કરવાની ફરજ પડી છે.

(સંકેત)