- અમેરિકા નહીં પણ ભારતમાં નોવાવેક્સ થશે લોન્ચ
- આ વેક્સિન પરીક્ષણમાં 90 ટકા અસરકારક રહી
- સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા નોવાવેક્સની મેન્યુફેક્ચરિંગ પાર્ટનર બનશે
નવી દિલ્હી: ભારત અને વિશ્વમાં કોરોના સામેની જંગમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે ટ્રાયલમાં 90 ટકા અસરકારક હોવા છતાં અમેરિકામાં નોવાવેક્સને મંજૂરી મળવી મુશ્કેલ છે. ત્યાંના નિયમો ઘરેલુ જરૂરિયાત પૂરી થયા પછી કોઇ અન્ય વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી આપતા અટકાવે છે. આવામાં હવે આ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઇ શકે છે. તેનું કારણ એ છે કે કોવિશિલ્ડનું ઉત્પાદન કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા નોવાવેક્સની મેન્યુફેક્ચરિંગ પાર્ટનર બનશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, યુએસ અને મેક્સિકોના 30,000 જેટલા લોકો પર નોવાવેક્સની પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના પરિણામો ફાઇઝર જેવા જ છે. નોવાવેક્સનને જ્હોનસન એન્ડ જ્હોનસન કરતા વધુ અસરકારક માનવામાં આવી રહી છે. જો કે, યુએસમાં નિયમનકારી મંજૂરીમાં વિલંબ થશે.
સબ-પ્રોટીન પર આધારિત આ વેક્સિન પણ બે ડોઝમાં આપવામાં આવે છે. વેક્સિનને બનાવવા માટે અમેરિકાની સરકારે 1.6 બિલિયન ડોલરની સહાય પણ કરેલી છે. ટ્રાયલમાં કેટલીક તકલીફ અને મેન્યુફેક્ચરિંગમાં વિલંબના કારણે આ વેક્સિન ફાઈઝર અને મોડર્નાથી પાછળ રહી ગઈ.
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેનલે અર્કે કહ્યું કે, આ વેક્સિનને પહેલા વિદેશમાં મંજૂરી મળવાની સંભાવના છે. કંપનીએ યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન, કોરિયા અને ભારતમાં પણ અરજી કરી છે. ભારત સરકારનું અનુમાન છે કે, સપ્ટેમ્બર-ડિસેમ્બરની વચ્ચે નોવાવેક્સના 20 કરોડ ડોઝ મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં નોવાવેક્સનું નામ કોવાવેક્સ રાખવામાં આવશે. હાલમાં SII રસીનું 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પર પરીક્ષણ કરી રહી છે. SII આ વેક્સિનનું પરીક્ષણ બાળકો પર પણ કરવા માંગે છે.