- હવે 60-65 રૂપિયામાં મળી શકે છે ઇંધણ
- સરકાર કરી રહી છે આ તૈયારી
- હવે પેટ્રોલ પંપ પર ઇથેનોલ મળશે
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પેટ્રોલ ડિઝલની સતત વધતી કિંમતોથી સામાન્ય પ્રજાની કમર તૂટી ચૂકી છે અને ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે ત્યારે આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે.
પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ અમે લોકો પેટ્રોલ પંપ પર ઇથેનોલની સુવિધા આપીશું. જે પેટ્રોલ-ડીઝલથી ઓછા ભાવમાં ઉપલબ્ધ રહેશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પેટ્રોલ અને ડિઝલની કિંમત સતત વધી રહી છે અને લોકો આંદોલન કરી રહ્યા છે. એવામાં આપણે આવનારા દિવસોમાં સુવિધા આપીશું કે પેટ્રોલ પંપ પર ઇથેનોલ મળી શકે. જેથી લોકો પાસે વધુ વિકલ્પ ઉપલબ્ધ રહે. પેટ્રોલ જો 100 રૂપિયાથી વધુ છે તો ઇથેનોલ ગ્રાહકોને ફક્ત 60-65 રૂપિયા લીટર મળશે. ગ્રીન ફ્યૂઝથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
નોંધનીય છે કે, છેલ્લા 6 મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી તરફ ઘરેલુ ગેસ સિલિન્ડર તેમજ સિંગતેલના ભાવમાં પણ સતત વધારો થયો છે જેને કારણે સામાન્ય પ્રજા કમરતોડ મોંઘવારીનો સામનો કરી રહી છે.