OMG: 10 હજાર કોવિશિલ્ડ વેક્સિનનો ઓર્ડર આપનારી હોસ્પિટલ જ ગાયબ થઇ, આરોગ્ય અધિકારીઓ દોડતા થયા
- મધ્યપ્રદેશના જબલપુરમાં વેક્સિનનો ઓર્ડર આપનારી હોસ્પિટલ જ ગાયબ
- જબલપુરના આરોગ્ય અધિકારીઓ હોસ્પિટલ શોધવા કામે લાગ્યા
- સવાલ એ છે કે આટલી મોટી માત્રામાં કોણે ઓર્ડર આપ્યો હશે
જબલપુર: મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગના છેલ્લા કેટલાક દિવસથી હોશ ઉડી ગયા છે. હકીકતમાં, MPનો આરોગ્ય વિભાગ છેલ્લા કેટલાક દિવસથી એક એવી હોસ્પિટલની શોધમાં છે, જેમને 10 હજાર કોવિશિલ્ડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. જો કે, આ ઓર્ડર આપનારી હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં.
હોસ્પિટલ ના મળ્યા બાદ અધિકારીએ હોસ્પિટલ ના હોવાની જાણકારી ભોપાલ હેડક્વાર્ટર મોકલી હતી. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે અંતે કોણે કેટલી માત્રામાં કોરોના વેક્સિનનો ઓર્ડર આપ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, 25મેના રોજ સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં મધ્યપ્રદેશની 6 ખાનગી હોસ્પિટલે કોવિશિલ્ડનો ઓર્ડર આપ્યો હતો. જેમાં ભોપાલ, ગ્વાલિયર અને જબલપુરની એક-એક હોસ્પિટલ તેમજ ઇન્દોરની 3 હોસ્પિટલનું નામ છે. જબલપુરમાંથી મેક્સ હેલ્થ કેર નામની એક હોસ્પિટલે 10 હજાર કોવિશિલ્ડનો ઓર્ડર આપ્યો હતો.
કોવિશિલ્ડનો આટલી મોટી માત્રામાં ડોઝના ઓર્ડર મળ્યા બાદ હોસ્પિટલની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતાની તપાસ કરવા માટે જબલપુરના આરોગ્ય વિભાગના અધિકારીઓ હોસ્પિટલની જાણકારી એકત્ર કરવા માટે ગયા તો ખબર પડી કે જબલપુરમાં આ નામની કોઇ હોસ્પિટલ કે ક્લિનીક છે જ નહીં.
હોસ્પિટલ ના મળ્યા બાદ હવે સવાલ એ થાય છે કે કોણે આટલી માત્રામાં વેક્સિનનો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડર આપનારે કેમ ખોટું સરનામું આપ્યું હતું.
અધિકારીઓ અનુસાર વેક્સિન નિ:શુલ્ક છે તેમ છતાં વેક્સિન લેવા માટે ખૂબ ઓછી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. તેવામાં કાળાબજારનો પ્રયાસ થવાની સંભાવના પણ ખૂબ ઓછી છે. તેમ છતાં અમે સંપૂર્ણ રિપોર્ટ ભોપાલ મોકલી આપ્યો છે. હવે હોસ્પિટલની જાણકારી મેળવવા જબલપુરથી ભોપાલ સુધી આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે.