- ઓમિક્રોન વેરિએન્ટની દહેશત
- હવે મહારાષ્ટ્ર આવતા ફ્લાઇટના મુસાફરો માટે RT-PCR ફરજીયાત
- મહારાષ્ટ્ર સરકારે લીધો આ નિર્ણય
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલો કોવિડના નવા વેરિએન્ટની સમગ્ર વિશ્વમાં ફરીથી ચિંતા વધી છે. મોટા ભાગના દેશો હવે એલર્ટ મોડમાં છે અને વિદેશથી આવતા મુસાફરો પર અનેક પાબંધીઓ લગાવવામાં આવી છે. આ બધા વચ્ચે હવે મહારાષ્ટ્ર સરકારે પણ ઓમિક્રોન વેરિએન્ટના પ્રસારને રોકવા માટે એક્શનમાં છે. હવે ફ્લાઇટથી આવતા તમામ મુસાફરો માટે RT-PCR ટેસ્ટ કરાવવાનું ફરજીયાત કર્યું છે.
મહારાષ્ટ્ર સરકારે લીધેલા સતર્કતાના પગલાંના ભાગરૂપે હવે બીજા રાજ્યોમાંથી ફ્લાઇટથી આવતા મુસાફરોએ ફરજીયાતપણે RT-PCR ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેશે. આ અગાઉ પણ પહેલા વિદેશથી આવતા મુસાફરોનો જ આર-ટી પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો હતો. તે ઉપરાંત મહારાષ્ટ્રની અંદર મુસાફરી કરનારા મુસાફરો માટે કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા અનિવાર્ય છે. જો કોઇ નાગરિકે વેક્સિનના બંને ડોઝ ના લીધા હોય તો તેઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.
બીજી તરફ એક ચિંતાજનક સમાચાર એ પણ છે કે ભારતમાં પણ હવે ઓમિક્રોન વેરિએન્ટે દસ્તક દીધી હોવાનો ખતરો વધી ગયો છે. તેનું કારણ એ છે કે દક્ષિણ આફ્રિકા અને વધુ ખતરો ધરાવતા દેશોથી મહારાષ્ટ્ર પાછા ફરેલા 6 લોકો કોવિડ સંક્રમિત મળી આવ્યા છે. જો કે કોવિડથી સંક્રમિત થયેલા આ છ લોકોમાં હજુ સુધી નવા વેરિએન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઇ નથી. સંક્રમિત લોકોના નમૂના જીનોમ સિકવેન્સિંગ માટે મોકલી દેવાયા છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
મહત્વનું છે કે, આ મુસાફરો દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોથી આવેલા છે જે મુંબઈ મહાનગર પાલિકા, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર અને પુણે નગર નિગમ સીમાઓમાં મળ્યા છે. નાઈજીરિયાથી પહોંચેલા બે મુસાફરો પુણે નીજક પિંપરી-ચિંચવાડ નિગમ ક્ષેત્રમાં મળી આવ્યા છે.