Site icon Revoi.in

1 દિવસમાં 1 કરોડ લોકોનું વેક્સિનેશન, WHOએ ભારતની સિદ્વિને ગણાવી ઐતિહાસિક

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્વના જંગમાં અસરકારક ગણાતા રસીકરણ અભિયાનને લઇને એક સારા સમાચાર છે. ભારતમાં શુક્રવારે 1 કરોડ લોકોનું રસીકરણ થયું હતું. આ રસીકરણના રેકોર્ડ સાથે ઇતિહાસ સર્જાયો છે.

આ સિદ્વિ પર પીએમ મોદીથી માંડીને વિવિધ મહાનુભાવોએ સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન આપ્યા છે તો બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને પણ ભારતને અભિનંદન પાઠવ્યા છે.

ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, ભારતમાં પુખ્ત વયના લોકોની જેટલી વસતી છે તે પૈકીના 50 ટકા લોકોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાઇ ચૂક્યો છે. બીજી તરફ ગઇકાલે એક કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. જે એક ઐતિહાસિક બાબત છે. તેમાં સામેલ થયેલા હજારો સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન.

પીએમ મોદીએ પણ આ સિદ્વિ બદલ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, રેકોર્ડ બ્રેક રસીકરણ થયું છે અને એક દિવસમાં એક કરોડ ડોઝ મૂકવા તે એક સિદ્વિ છે. રસી મૂકનાર અને રસી મૂકાવીને આ અભિયાનને સફળ બનાવનારા તમામને અભિનંદન.

ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યુ છે કે, એક દિવસમાં એક કરોડ વેક્સીનનો આંકડો ભારતની દ્રઢ ઈચ્છા શક્તિ અને અપાર ક્ષમતાનુ પ્રતિક છે. પીએમ મોદીજીના નેતૃત્વમાં ભારતે દુનિયાને એક ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.