Site icon Revoi.in

ભારતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, 24 કલાકમાં માત્ર 9 હજાર કેસ

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ પર ઘણે અંશે અંકુશ મેળવવામાં સફળતા મળી છે. આજે જાહેર થયેલા આંકડા અનુસાર 15 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ, મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ થોડા દિવસથી 100થી નીચે નોંધાતા રાહત મળી છે.

કોરોના વેક્સિનેશન અભિયાન વિશે વાત કરીએ તો દેશમાં અત્યારસુધીમાં કુલ 62,59,008 લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,110 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 78 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,47,304 થઇ ગઇ છે.

કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 5 લાખ 48 હજાર 521 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,016 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,43,625 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,55,158 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 8 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 20,25,87,752 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 6,87,138 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(સંકેત)