- પાકિસ્તાનની નવી ચાલ
- હવે મહિલાઓને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાવી રહ્યું છે ઘૂસણખોરી
- LOC પર એક મહિલા ઘૂસણખોરને કરાઇ ઠાર
નવી દિલ્હી: પાકિસ્તાન હવે ભારતમાં ઘૂસણખોરી માટે નવી ચાલ ચાલી રહ્યું છે. હવે પાકિસ્તાન આ માટે મહિલાઓને ઢાલ બનાવી રહ્યું છે. તાજેતરમાં જ આરએસપુરા વિસ્તારમાં સેનાએ એક પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને ઠાર મારી હતી. આ સાથે જ સેનાએ આરએસપુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રો અનુસાર સરહદ પારથી કેટલાક લોકોએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાનથી આવેલા ઘૂસણખોરોએ ભારતમાં પ્રવેશ્યા બાદ સૈનિકોએ તેમને પકડવાનો પ્રયાસો કર્યો પરંતુ તેઓ ભાગવા લાગ્યા. આ દરમિયાન ગોળી વાગવાથી એકનું મોત થયું હતું. સર્ચ ઓપરેશન બાદ જાણવા મળ્યું કે ઘૂસણખોરી કરતા ગોળીથી ઠાર થયેલ એક મહિલા હતી.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે આરએસપુરા સેક્ટરમાં એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર કરવામાં આવી છે. બીએસએફના (BSF) જવાનોએ શંકાસ્પદ હિલચાલ બાદ ઘૂસણખોરને ઘણી વખત ભારતીય સરહદ પાર ના કરવા ચેતવણી આપી હતી, પરંતુ તેમણે ફેન્સીંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. સૈન્યે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે.
પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે આ અંગે કહ્યું કે, કેટલાક આતંકીઓ ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમની શોધ કરીને ટૂંક સમયમાં કાશ્મીરમાં ઠાર મારવામાં આવશે.