સંસદનું ચોમાસુ સત્ર: લોકસભા-રાજ્યસભાની આજની કાર્યવાહી મોકુફ, આવતીકાલે થશે કાર્યવાહી
- આજથી સંસદના બંને ગૃહોમાં ચોમાસુ સત્ર શરૂ
- આ સત્ર પહેલા પીએમ મોદીએ પરિસરમા કર્યું સંબોધન
- અત્યારસુધીમાં 40 કરોડ લોકો કોરોનામાં બાહુબલી બની ચૂક્યા છે: PM મોદી
નવી દિલ્હી: આજે ચોમાસા સત્રના પહેલા જ દિવસે સદનમાં બે વાર વિપક્ષે ધમાલ અને હોબાળો મચાવ્યો હતો. તેને કારણે સત્ર દરમિયાન બે વાર કાર્યવાહી સ્થગિત કરવાની નોબત આવી હતી. અધ્યક્ષ ઓમ બિરલાને બે વાર કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. બપોરના 3 પછી શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન વિપક્ષના હોબાળા વચ્ચે સરકારે જાસુસી મુદ્દે સ્પષ્ટતા કરવાની નોબત આવી હતી.
સત્ર દરમિયાન IT પ્રધાન અશ્વિની વૈષ્ણવે, લોકસભામાં નિવેદન દરમિયાન કહ્યું હતું કે, સરકાર કોઇના ફોન ટેપિંગ કરતી નથી. આ મુદ્દે કોઇ તથ્ય નથી. સરકારના આ નિવેદન બાદ લોકસભા અધ્યક્ષે લોકસભાની આજના દિવસની કાર્યવાહી આવતીકાલ સુધી મોકુફ રાખી છે.
આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ ચૂક્યું છે. સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અનેક બિલ પાસ કરવાના એજન્ડા સાથે સદનમાં આવશે જ્યારે વિપક્ષ કોરોનાની બીજી લહેર સામે સરકારની કામગીરી, પેટ્રોલ ડિઝલના વધતા ભાવ, ખેડૂત આંદોલન જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
દરેક અપડેટ્સ
સદનમાં વિપક્ષી સાંસદોના હોબાળાના કારણે લોકસભા બપોરે 3.30 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. ભારે હોબાળાના પગલે રાજ્યસભા પણ 3 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે.
લોકસભામાં વિપક્ષના હોબાળા પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે જ્યારે મંત્રીમંડળનો વિસ્તાર થાય અને નવા મંત્રીઓના શપથ થાય છે ત્યારબાદ પીએમ મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવે છે. પીએમ મોદી એ જ પરંપરા નિભાવી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે હોબાળો કર્યો. આ ખુબ નિંદનીય છે.
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ફરી હોબાળો થવા લાગ્યો. પીએમ મોદી નારાજ થયા.
સંદનમાં થયેલા હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12.24 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે.
સંસદનું સત્ર શરૂ થતા જ સદનમાં હોબાળો મચી ગયો હતો. સત્રના પહેલા જ દિવસે પીએમ મોદી જેવા બોલવા ઊભા થયા કે વિપક્ષી દળોએ હોબાળો શરૂ કરી દીધો હતો.કોંગ્રેસ સાંસદ મોંઘવારી પર અને અકાળી દળ તથા બસપાના સાંસદોએ ખેડૂતોના મુદ્દે હોબાળો કર્યો. પીએમ મોદી કહેવા લાગ્યા કે, મને લાગ્યું કે આજનો દિવસ ઉત્સાહનો છે. પરંતુ દલિત, મહિલાઓ તેમજ OBCના લોકોને મંત્રી બનાવવાની વાત વિપક્ષને પચતી નથી.
રાજ્યસભા અને લોકસભા એમ બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે.
સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા પીએમ મોદીએ સંસદ પરિસરમાંથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. અત્યારસુધીમાં 40 કરોડ લોકો કોરોનામાં બાહુબલી બની ચૂક્યા છે. આ મહામારીએ સમગ્ર માનવજાતને ઝપેટમાં લીધી છે. આ સત્રમાં સાર્થક ચર્ચા થાય તેવું આપણે ઇચ્છીએ છીએ. અમે સદનની અંદર અને બહાર ચર્ચા ઇચ્છીએ છીએ.
આજે સંસદમાં પેગાસસ હેકિંગનો મુદ્દો પણ ગૂંજી ઉઠશે તેવી સંભાવના છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ દાવો કર્યો છે કે પેગાસસ સ્પાયવેર મારફતે ભારતના અનેક પત્રકારો અને કાર્યકર્તાઓના ફોન હેક કરાયા હતા. જેના ખુલાસા બાદથી રાજકીય ગરમાવો છે.
17 નવા બિલ રજૂ થઇ શકે
આ સત્ર દરમિયાન કુલ 17 નવા બિલને રજૂ કરવા માટે સૂચિબદ્વ કરાયા છે. જેમાંથી 3 બિલ હાલમાં બહાર પાડેલા વટહુકમના સ્થાન પર લાવવામાં આવશે. જેમાંથી એક વટહુકમ 30 જૂનના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેના દ્વારા રક્ષા સેવાઓમાં સામેલ કોઇના પણ વિરોધ પ્રદર્શન કે હડતાળમાં સામેલ થવા પર રોક લગાવાઇ છે.