- સરકારી મેઇલ દ્વારા થઇ રહ્યો છે ફિશિંગ એટેક
- સંરક્ષણ મંત્રાલયના અનેક અધિકારીઓને ટાર્ગેટ બનાવાયા
- સંરક્ષણ સહિતના વિવિધ મંત્રાલયોના અધિકારીઓને 10 ફેબ્રુઆરીના રોજ મેઇલ કરવામાં આવ્યો હતો
નવી દિલ્હી: સંરક્ષણ અને બાહ્ય મામલાઓનું મંત્રાલય ખતરામાં છે. સરકારી ડોમેઇનવાળા ઇમેઇલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને સંરક્ષણ અને બાહ્ય મામલાઓના મંત્રાલયોના અનેક વરિષ્ઠ સરકારી અધિકારીઓને ફિશિંગ અટેક દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હુમલાખોરોએ આ મહિનાની શરૂઆતમાં આ પ્રકારના સાઇબર હુમલાને અંજામ આપ્યો હતો અને અનેક અધિકારીઓને ઇમેઇલ મોકલ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર સતત થઇ રહેલા સાઇબર હુમલાઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતોએ વધુ સારા તેમજ ઓથેન્ટિક પ્રોટોકોલની આવશ્યકતા દર્શાવી હતી. રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રએ હુમલા બાદ તરત એક એલર્ટ જાહેર કર્યું હતું. જો કે ટાર્ગેટ કરવામાં આવેલા કોઇપણ કોમ્પ્યુટર્સમાંથી સંવેદનશીલ માહિતીની ચોરી થઇ છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
સંરક્ષણ સહિતના વિવિધ મંત્રાલયોના અધિકારીઓને 10 ફેબ્રુઆરીના રોજ મેઇલ કરવામાં આવ્યો હતો. જેમાં મેઇલ મળે તેમને અટેચ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવા કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ NIC એ સંભંવિત સુરક્ષા ઉલ્લંઘનો સાથે સંકળાયેલી વિવિધ શાખાઓને સચેત કરીને ટાર્ગેટ કરવામાં આવેલા મંત્રાલયોના તમામ અધિકારીઓને પણ સૂચિત કર્યા હતા.
શું હોય છે ફિશિંગ અટેક?
ફિશિંગ અટેક એ એક પ્રકારનો સાઇબર ક્રાઇમ છે. તેમાં ઇમેઇલ અને ઇન્ટરનેટ પર ખોલવામાં આવેલી વેબસાઇટ્સનો ઉપયોગ કરીને તમારા અંગત ડેટાની ચોરી કરવામાં આવે છે. આ ડેટાની મદદથી વ્યક્તિની અંગત માહિતી ચોરીને હેકર્સ તેના બેંક એકાઉન્ટ્સ સાફ કરી દેતા હોય છે.
(સંકેત)