Site icon Revoi.in

નક્લી કોરોના વેક્સિનના વેચાણ-વિતરણ સામે દિશા-નિર્દેશો જારી કરવા SCમાં અરજી કરાઇ

Social Share

નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે માર્કેટમાં નકલી કોરોના વેક્સિનનું વેચાણ તેમજ વિતરણના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તેવામાં આ પ્રકારની નકલી વેક્સિનના વેચાણ તેમજ વિતરણ સામે કેન્દ્ર સરકાર આકરા દિશા-નિર્દેશો અને નિયમો જાહેર કરે તેવી માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. વકીલ વિશાલ તિવારી દ્વારા જનહિતની આ અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી કે, કોઇ સંગઠન, કંપની કે વ્યક્તિ દ્વારા નક્લી વેક્સિનના વેચાણ કે વિતરણ જેવા ગુનાહિત કામ રોકા કડક કાયદા બનાવવા કેન્દ્રને નિર્દેશ આપવામાં આવે.

પ્રાપ્ત વિગતો અનુસાર અરજીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથવા અન્ય કાયદા અંતર્ગત દિશા-નિર્દેશો બનાવવા કહેવામાં આવ્યું હતું. આ દિશા-નિર્દેશો ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે જેની અધ્યક્ષતા અને મોનિટરિંગ સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજ કરે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે કોરોના વાયરસના નકલી વેક્સિનેશનના જોખમને લઈ નાગરિકોની સુરક્ષા માટે જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ. સાથે જ જનતાને સસ્તામાં અને પર્યાપ્ત માત્રામાં વેક્સિન મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

અરજી પ્રમાણે ઈન્ટરપોલે પોતાના 194 સદસ્ય દેશોની કાયદાનો અમલ કરાવતી એજન્સીઓને વૈશ્વિક એલર્ટ આપ્યું છે. તેમાં ફિઝિકલ અને ઓનલાઈન એમ બંને રીતે કોવિડ-19 વેક્સિનને ટાર્ગેટ બનાવવા સંગઠિત ગુનાહિત નેટવર્કનો સામનો કરવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

(સંકેત)