- અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને PM મોદીના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક
- પીએમ મોદીના નિવાસસ્થાને ચાલી રહી છે ઉચ્ચ સ્તરની બેઠક
- ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ પણ હાજર
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તણાવપૂર્ણ અને તંગદિલીની સ્થિતિને લઇને પીએમ મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરની બેઠક યોજાઇ છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ પણ હાજર છે. CCSની બેઠક છેલ્લા અડધા કલાકથી ચાલી રહી છે. આ બેઠકમાં તાલિબાનોના સત્તા સંભાળવાના મુદ્દે સંભવિત ચર્ચાઓ ચાલી રહી છે. સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિના સભ્ય હોવાથી આ બેઠકમાં નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત છે.
આ ઉપરાંત વિદેશ સચિવ હર્ષવર્ધન સિંગલા તેમજ પીએમના અગ્ર સચિવ પી કે મિશ્રા પણ હાજર છે. વિદેશ મંત્રી સિવાય CCSના તમામ સભ્યો બેઠકમાં હાજર છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમએ ગત રાત્રે લાંબા સમયથી અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવેલા ભારતીયોને બહાર કાઢવાની ઘટના પર નજર રાખી હતી. તે ઉપરાંત, સંબંધિત અધિકારીઓને નિર્દેશ અપાયા હતા કે તેમને કોઇપણ પ્રકારની સમસ્યા ના થવી જોઇએ.
મહત્વનું છે કે, અફઘાનિસ્તાનમાં અત્યારે સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. તાલિબાને બંદૂક અને શસ્ત્રોના દમથી અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર કબજો જમાવી લીધો છે જેમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પણ સામેલ છે. કાબુલમાં તાલિબાનના પગપેસારા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ દેશ છોડવાની નોબત આવી છે. અફઘાન નાગરિકો અને વિદેશી નાગરિકો પણ અફઘાનિસ્તાન છોડવા માટે એરપોર્ટ પર ઘસારો કરી રહ્યાં છે.