- પીએમ મોદીએ આજે ફિક્કીની 93મી વાર્ષિક સામાન્ય સભાનું કર્યું ઉદ્વાટન
- આ સભાનું આયોજન વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું છે
- પીએમ મોદીએ સભાને કર્યું હતું સંબોધન
- સંબોધનમાં કૃષિ કાયદા પર કરી હતી ચર્ચા
નવી દિલ્હી: પીએમ મોદીએ આજે ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ ફેડરેશન (ફિક્કી)ની 93મી વાર્ષિક સામાન્ય સભાનું ઉદ્વાટન કર્યું હતું. આ સભાનું આયોજન ડિજીટલ રીતે કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતો વિશે અને કોરોનાની મહામારી વિશે કેટલીક મહત્વની વાત પર સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ સંબોધન દરમિયાન કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોની કામગીરી અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને તેમણે સૂચક નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે કૃષિ સેક્ટરની તમામ અડચણો દૂર કરીશું. અગાઉ પણ પીએમ મોદી કૃષિ કાયદાની જોરદાર હિમાયત કરી ચૂક્યા છે. 30 નવેમ્બરના રોજ પીએમ મોદીએ કહ્યું હતું કે નવા કૃષિ સુધારા સાથે ખેડૂતને હવે નવા વિકલ્પો મળી ગયા છે અને કાયદેસરની સુરક્ષા મળી છે.
પીએમ મોદીએ તે પછી કહ્યું હતું કે જો ખેડૂતને કોઇ ખરીદદાર મળે જે ખેતરમાંથી સીધો જ ઉત્પાદન મેળવે, જે પરિવહનથી માંડીને લોજિસ્ટિક્સ સુધીની દરેક વસ્તુનું સંચાલન કરે અને સારી કિંમતો આપે, તો શું ખેડૂતોને આ આઝાદી મળવી જોઇએ કે નહીં?
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો સરકારનો નિર્ણય અગાઉ કોઇને પસંદ ના આવે તો તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિરોધનો આધાર આશંકાઓ બની રહી છે. હજી જે બન્યું નથી તે અંગે મૂંઝવણે ફેલાયેલી છે, જે ક્યારેય નહીં થાય. કૃષિ કાયદામાં પણ આવું જ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં વિશ્વભરના 10 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. ત્રણ દિવસની આ વર્ચ્યુઅલ મીટિંગમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ, અમલદારો, ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભાગ લઇ રહ્યા છે.
(સંકેત)