- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર પુસ્તકોનું કરશે લોકાર્પણ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ આંબેડકર પર તૈયાર થયેલા ચાર પુસ્તકોનું ઑનલાઇન લોકાર્પણ કરશે
- આ પુસ્તકો ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા તથા લેખક કિશોર મકવાણા દ્વારા લેખિત-સંપાદિત છે
અમદાવાદ: સમગ્ર દેશમાં 14 એપ્રિલે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે ત્યારે આગામી 14 એપ્રિલના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગે ડૉ. બાબાસાહેબ આંબેડકર પર તૈયાર થયેલા ચાર પુસ્તકો – “વ્યક્તિ દર્શન”, “જીવન દર્શન”, “આયામ દર્શન” અને “રાષ્ટ્ર દર્શન”નું online લોકાર્પણ કરશે.
ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા તેમજ લેખક કિશોર મકવાણાએ ખૂબ ઊંડું અધ્યયન તેમજ સંશોધન કરીને ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનના વિવિધ પાસાનું સર્વાંગીણ લેખન-સંપાદન આ ચાર ભાગમાં કર્યું છે. કિશોર મકવાણાની ડૉ. આંબેડકર વિચાર દર્શનના ગહન અભ્યાસુ તરીકેની ઓળખથી ગુજરાત હવે અજાણ નથી.
ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના એક-એક પાસાં વિશે તલસ્પર્શી અભ્યાસ કરીને કિશોર મકવાણાએ ઘણી નવી વાતો શોધી આ પુસ્તકોમાં સમાવી છે. રાષ્ટ્રનિર્માણમાં ડો. બાબાસાહેબનું યોગદાન ઐતિહાસિક છે. ચાર પુસ્તકો ડો. આંબેડકરના મહાન જીવન-કાર્યને અભિવ્યક્ત કરે છે.
ડો. આંબેડકરે સ્વતંત્રતા પહેલા આત્મનિર્ભર ભારત અને આધુનિક ભારતનો પાયો રાખ્યો હતો. એમના સપનાનું ભારત એક એવું ભારત હતું જે આર્થિક રીતે સમૃદ્ધ હોય, વિજ્ઞાન- ટેક્નોલોજીની રીતે ઉન્નત હોય, કૃષિ ઉત્પાદન વધે અને ઝડપી ઔદ્યોગિકીકરણ થાય, ઉર્જા નીતિ અને જળ નીતિનો રોડમેપ હોય, ભારતની વિદેશનીતિ ભારતની રક્ષા કરે તેવી હોય અને કોઇપણ જાતના ભેદભાવ વિના સૌને સમાન અવસર મળે એ એમનું સપનું હતું.
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પિત થનાર આ ચાર પુસ્તકો ડો. આંબેડકરને લઇને ચાલતી અનેક ભ્રમણાઓને દૂર તો કરે જ છે સાથે સાથે તેમને એક રાષ્ટ્રનિર્માતા તરીકે રજુ કરતો અનન્ય દસ્તાવેજ પણ છે.
(સંકેત)