- બેસતા વર્ષે પીએમ મોદી કેદારનાથના પ્રવાસે જશે
- આ દરમિયાન દેશના અલગ અલગ પવિત્ર સ્થળો પર ભાજપના નેતાઓ નમન કરશે
- આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ કરાશે
નવી દિલ્હી: બેસતા વર્ષના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે PM મોદી આ વર્ષે બેસતાવર્ષના પર્વ પર કેદારનાથના દર્શન પર જશે. આ પ્રસંગે ભારતના 100 પવિત્ર સ્થળોએ ભાજપના અનેક નેતા હાજર રહેશે અને દર્શન કરશે.
5 નવેમ્બરના રોજ એટલે કે બેસતા વર્ષના દિવસે શ્રીનગરના શંકરાચાર્ય મંદિરની લઇને કેરળમાં આવેલ શંકરાચાર્ય મંદિર, સોમનાથ મંદિર સુધી ભાજપના સાંસદો તેમજ દિગ્ગજ નેતાઓ દર્શન કરીને ધન્યતા અનુભવશે.
પીએમ મોદી આ દરમિયાન કેદારનાથમાં હાજર રહેશે. ભાજપ દ્વારા બેસતા વર્ષના પર્વ પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓડિશામાં પુરી, કર્ણાટકમાં શ્રૃંહેરી, ગુજરાતમાં દ્વારકા તેમજ ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠ સહિત ચાર ધામ સાથે જોડાયેલા સાધુ સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મંદિર સહિત 12 જ્યોર્તિલિંગો તેમજ 87 અન્ય મહત્વપૂર્ણ મંદિરો જેની સ્થપાના શંકરાચાર્યએ કરી હતી. તે દરેક મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે પીએમ મોદી કેદારનાથ જશે ત્યારે ભાજપના દરેક સાંસદો અને નેતા પવિત્ર સ્થાનો પર 2 કલાક માટે ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના કાર્યક્રમોનું દરેક પવિત્ર સ્થળ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યાં મોટી એલઇડી પર તેમનો કાર્યક્રમ ટેલિકાસ્ટ કરાશે.