- પીએમ મોદીએ આજે શિક્ષક પર્વનું કર્યું ઉદ્વાટન
- આ દરમિયાન તેમણે સંબોધન પણ આપ્યું
- જનભાગીદારીથી ભારતમાં એવા કાર્યો થયા કે જેની કોઇ કલ્પના પણ નહતું કરી શકતું
નવી દિલ્હી: પીએમ મોદીએ આજે શિક્ષક પર્વ 2021નું ઉદ્વાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે અનેક નવી પહેલની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, છેલ્લા 6-7 વર્ષોમાં જનભાગીદારીની તાકાતથી ભારતમાં એવા કાર્યો થયા કે જેની કોઇ કલ્પના પણ નહતું કરી શકતું.
તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે, તમે બધાએ કપરા સમયમાં દેશમાં શિક્ષણ માટે, વિદ્યાર્થીઓના ભાવિ માટે જે એકનિષ્ઠ પ્રયાસ કર્યો છે તે અતુલ્ય છે. પ્રશંસનીય છે. આજે શિક્ષણ પર્વ પર અનેક પરિયોજનાઓનો શુભારંભ થયો છે. આ પહેલ એટલા માટે પણ જરૂરી છે કારણ કે દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.
સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે વિદ્યાંજલી 2.0, નિષ્ઠા 3.0, ટોકિંગ બુક્સ અને યુએલડી બેસ આઈએસએલ ડિક્શનરી જેવા નવા કાર્યક્રમ અને વ્યવસ્થાઓ લોન્ચ કરાઈ છે. મને પૂરેપૂરો ભરોસો છે કે તે આપણી શિક્ષણ વ્યવસ્થાને વૈશ્ચિક સ્તર પર પ્રતિસ્પર્ધી બનાવશે.
કોરોના મહામારી દરમિયાન આપણે બધાએ આપણા શિક્ષણ ક્ષેત્રની ક્ષમતાઓને જોઇ છે. ઘણા બધા પડકારો હતો પરંતુ આપણે બધા પડકારોને ઝડપથી ઉકેલ્યા. ઑનલાઇન ક્લાસ, ગ્રૂપ વીડિયો કૉલ, ઑનલાઇન પરીક્ષા જેવા શબ્દો પહેલા અનેક લોકોએ સાંભળ્યા નહોતા. આજે એક તરફ દેશની પાસે બદલાવનું વાતાવરણ છે તો સાથે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી આધુનિક અને ભાવિ નીતિ પણ છે.