Site icon Revoi.in

PM મોદી ડૉક્ટરો સાથે સંવાદ દરમિયાન થયા ભાવુક, કહ્યું – કોરોના સામેની લડતમાં આપણે અનેક સ્વજનો ગુમાવ્યા

Social Share

નવી દિલ્હી: દેશમાં પ્રવર્તિત કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીએ વારાણસીના ડૉક્ટરો સાથે વાતચીત કરી હતી. ડૉક્ટરો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા. પીએમ મોદીએ ભાવુક થઇને કહ્યું હતું કે, કોવિડ વિરુદ્વ ચાલી રહેલી લડતમાં આપણે અનેક સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે.

પીએમ મોદીએ કોરોના સામેની લડત વિશે કહ્યું કે, દેશે કોરોના સામે મજબૂત રીતે લડત આપી પરંતુ આપણા પરિવારના કેટલાક લોકોને આપણે પરત ના લાવી શક્યા. આટલું કહ્યા બાદ તેઓ ભાવુક થઇ ગયા હતા. આ વાયરસે આપણા અનેક સ્વજનોને છીનવ્યા છે. હું એ તમામ લોકોને મારી શ્રદ્વાંજલિ આપું છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદન વ્યક્ત કરું છું.

કોરોના સંકટ દરમિયાન ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સના યોગદાનને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, હું વિશેષ રીતે ડૉક્ટરો, નર્સ અને આરોગ્યકર્મીઓનો આભાર માનું છું. તેમનું યોગદાન સરાહનીય છે. હું કાશીનો એક સેવક હોવાને કારણે દરેક કાશીવાસીઓનો આભાર માનું છું.

તેમણે વધુમાં પ્રશાસને બીજી લહેર દરમિયાન કરેલી તૈયારીઓને આગળ પણ ચાલુ રાખવા માટેની પ્રતિબદ્વતા લેવાનું કહ્યું હતું અને સાથોસાથ બ્લેક ફંગસ વિશે વાત કરતા કહ્યું હતું કે, બ્લેક ફંગસ વધુ એક પડકાર તરીકે સામે આવ્યું છે. તેના સામનો કરવા માટે આવશ્યક સાવધાની તેમજ વ્યવસ્થા પર ધ્યાન આપવું જરૂરી છે.

વેક્સિનેશનની ભૂમિકા પર વાત કરી હતી કે, વેક્સિન એ આપણા માટે સુરક્ષા ક્વચ છે. વેક્સિનની સુરક્ષાના કારણે ઘણે અંશે આપણા ફ્રન્ટલાઇન વર્કર્સ સુરક્ષિત રહીને લોકોની સેવા કરી શક્યા છે. આ સુરક્ષા ક્વચ આગામી સમયમાં પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચશે. આપણે આપણો વારો આવતો વેક્સિન ચોક્કસપણે લેવાની છે.