Site icon Revoi.in

દેશમાં રસીકરણને વેગવંતુ બનાવવા માટે પીએમ મોદીએ કર્યું સૂચન, દરેક ગામ માટે અલગ રણનીતિનું પાલન કરો

Social Share

નવી દિલ્હી: G-20 શિખર સંમેલનમાં ભાગ લઇને રોમ પ્રવાસથી પરત ફરેલા પીએમ મોદીએ પરત ફરતા જ રસીકરણ મામલે દેશના 40થી વધુ જીલ્લાઓના ડીએમ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રસીકરણ અભિયાનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે.

પીએમ મોદીએ જીલ્લા અધિકારીઓ સાથે સંવાદ દરમિયાન જણાવ્યું કે, કોરોના સામે દેશની લડતમાં એક જે ખાસ વાત જોવા મળી છે કે આપણે નવા નવા સમાધાનો શોધ્યા, ઇનોવેટિવ રસ્તાઓ અપનાવ્યા અને હવે તમારા જીલ્લાઓમાં પણ રસીકરણને વેગ આપવા માટે નવા રસ્તાઓ પર કામ કરવું જોઇએ.

અનેક જીલ્લાઓમાં રસીકરણને વેગવંતુ બનાવાવા માટે પીએમ મોદીએ અધિકારીઓને સૂચન કર્યું છે કે, પોતાના જીલ્લાઓમાં એક એક ગામ, એક એક વિસ્તાર માટે અલગ રણનીતિ બનાવવી પડે તો તેના પર કામ કરો. તમે ક્ષેત્ર પ્રમાણે 20-25 લોકોની ટીમ બનાવીને પણ આમ કરી શકો છો.

રસીકરણ દરમિયાન એક પડકાર અફવાઓ તેમજ લોકોમાં ભ્રમની સ્થિતિનો છે. તેનું એક મોટું સમાધાન લોકોને વધુમાં વધુ જાગૃત કરવામાં આવે તે છે. તમે આ કાર્યમાં સ્થાનિક ધર્મગુરુઓની પણ મદદ લઇ શકો છો. રસી પર ધર્મગુરુઓનો સંદેશ પણ આપણે જનતા સુધી પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવો અનિવાર્ય છે.

વડાપ્રધાને કામની સરાહના કરતા કહ્યું કે અત્યારસુધી તમે લોકોએ લોકો માટે રસીકરણ સેન્ટર સુધી પહોંચાડવા અને ત્યાં સુરક્ષિત રસીકરણ માટે વ્યવસ્થા કરી. હવે દરેક ઘરે રસી, ઘરે ઘરે રસી, આ જુસ્સા સાથે દરેક ઘરે પહોંચવાનું છે. દરેક ઘરે,પહેલા ડોઝની સાથોસાથ બીજા ડોઝ ઉપર પણ એટલું જ ધ્યાન આપવું પડશે.