- દેશમાં નવી શિક્ષણ નીતિને 1 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનું સંબોધન
- નવી શિક્ષણ નીતિ ભાવિના ભારતનો આધાર નક્કી કરશે
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઇને મશીન લર્નિંગ સુધીમાં યુવાઓ સફળતા મેળવી આગળ વધી રહ્યા છે
નવી દિલ્હી: દેશમાં નવી શિક્ષણ નીતિને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શિક્ષણવિદોને સંબોધિત કર્યા છે. છેલ્લા એક વર્ષમાં દેશના બધા શિક્ષણવિદોએ નવી શિક્ષણ નીતિને પાયા પર ઉતારવામાં ખૂબ મહેનત કરી છે. છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવી અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આપણે તે યાદ રાખવાનું છે કે નવી શિક્ષણ નીતિ જ ભાવિના ભારતનો આધાર નક્કી કરશે અને તમામ અન્ય ફેક્ટર્સમાં સૌથી મહત્વનું કારણ હશે.
પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, આપણે જોઇ રહ્યાં છીએ કે નાના શહેરો અને ગામડામાંથી નીકળી યુવા અનેક સિદ્વિઓ હાંસલ કરી રહ્યા છે. આપણે ટોક્યો ઓલિમ્પિકમાં પણ જોઇ શકીએ છીએ કે ભારતના અંતરિયાળ વિસ્તારમાંથી નીકળી યુવા પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઇને મશીન લર્નિંગ સુધીમાં યુવાઓ સફળતા મેળવી આગળ વધી રહ્યા છે. આ યુવા ભારતની સ્ટાર્ટઅપ સિસ્ટમમાં ક્રાંતિ લાવી રહ્યા છે. ડિજીટલ ઇન્ડિયાને ગતિ આપી રહ્યાં છે.
દેશના યુવા હવે ગમે ત્યારે પોતાની સ્ટ્રીમમાં ફેરફાર કરી શકે છે. હવે તેમને આગળ તે ડર રહેશે નહીં કે જો તેમણે કોઈ એક સ્ટ્રીમ પસંદ કરી તો પછી બદલી શકશે નહીં. હવે આ ડર જ્યારે યુવાઓના મનમાંથી નિકળશે તો તેમના મનમાંથી તમામ પ્રકારના ડર નિકળશે અને તે નવા પ્રયોગ કરવા માટે તત્પર હશે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આપણા યુવાઓએ દેશને સમર્થન બનાવવા માટે દુનિયાના મુકાબલે એક ડગલું આગળ વધી વિચારવુ પડશે. પીએમ મોદીએ કહ્યુ કે મને ખુશી છે કે છેલ્લા એક વર્ષમાં દેશની 1200થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ સ્કિલ ઈન્ડિયા સાથે જોડાયેલા કોર્સની શરૂઆત કરી છે.
તેમણે કહ્યું કે, અમે સ્થાનીક ભાષાને પ્રમુખતા આપવાનો નિર્ણય લીધો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ હવે તમિલ, મરાઠી, બાંગ્લા સહિત 5 ભાષાઓમાં શરૂ થવાનો છે. આ સિવાય કુલ 11 ભાષાઓમાં એન્જિનિયરિંગના કોર્સનું ભાષાંતર શરૂ થઈ ચુક્યુ છે. તેનો સૌથી વધુ લાભ દેશના ગરીબ અને મિડલ ક્લાસના વિદ્યાર્થીઓને થશે. દલિતો અને આદિવાસીઓને થશે.