- પીએમ મોદીએ PMGKAYના ગુજરાતના લાભાર્થીઓને કર્યા સંબોધિત
- કોઇને ભૂખ્યા સુવા દીધા નથી
- દરેક સંભવ મદદ કરવી એ જ અમારો ઇરાદો છે
નવી દિલ્હી: પીએમ ગરીબ કલ્યાણ યોજના (PMGKAY)ના ગુજરાતના લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ વાતચીત કરી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, દરેક સંભવ મદદ કરવી એ જ અમારો ઇરાદો છે. આ સ્કીમ વિશે જાગરુકતા ફેલાવવા માટે રાજ્યમાં જન સહયોગ કાર્યક્રમની પણ શરૂઆત થઇ રહી છે. આપને જણાવી દઇએ કે PMJKAY એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે જેની પરિકલ્પના પીએમ મોદીએ કોરોના મહામારીના આર્થિક પ્રભાવને ઓછો કરવામાં સહાયતા પ્રદાન કરવા માટે કરી હતી.
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં ખાદ્ય ભંડાર વધતા ગયા પરંતુ ભુખમરો અને કુપોષણમાં તે પ્રમાણે ઘટાડો થયો નહીં. પ્રભાવી ડિલિવરી સિસ્ટમનો અભાવ તેનું મુખ્ય કારણ હતું. આ સ્થિતિને બદલવા માટે વર્ષ 2014 બાદ નવેસરથી કામ શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદથી આશરે દરેક સરકારે ગરીબોને સસ્તુ ભોજન આપવાની વાત કહી હતી. સસ્તા રાશનની યોજનાનું વર્તુળ અને બજેટ વધ્યું પરંતુ તેનો પ્રભાવ સીમિત રહ્યો.
ગુજરાત સરકારે આપણી બહેનો, કિસાનો, આપણા ગરીબ પરિવારોના હિતમાં દરેક યોજનાને સેવાભાવની સાથે જમીન પર ઉતારી છે. આજે ગુજરાતમાં લાખો પરિવારને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એક સાથે ફ્રી રાશન વિતરિત કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સરકાર નાગરિકોને દરેક સંભવ મદદ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાભાર્થીઓ સુધી યોજનાની પહોંચ રહી છે. હું સંતુષ્ટ છું કે તમારા પરિવારની રાશનની સમસ્યા હવે હલ થઈ ગઈ છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભાગ લીધો હતો. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના જે શરૂઆત કરવામાં આવી હતી, તે હાલ દીવાળી સુધી યથાવત રહેશે.